સર્જિકલ સ્ટ્રાઇકનો ૯૦ મિનિટનો વીડિયો સેનાએ સરકારને સોંપ્યો

Thursday 06th October 2016 06:57 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય આર્મીએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ૯૦ મિનિટનો વીડિયો કેન્દ્ર સરકારને સોંપ્યો છે. આ વીડિયો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી મંજૂરી આર્મી દ્વારા સરકારને આપવામાં આવી છે, જોકે સરકાર હાલ આ વીડિયો જાહેર કરવાના મૂડમાં નથી. કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ આહિરે આ અંગે કહ્યું હતું કે, પીએમઓ આ વીડિયો ક્યારે જાહેર કરવો તે ચર્ચા પછી નક્કી કરશે. બીજી તરફ એવું જાણવા મળે છે કે એલઓસીની પાર ૧૦૦થી વધુ આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. પૂર્વ આર્મી ચીફ મલિકના નિવેદન મુજબ, સરકારે વીડિયો જાહેર કરવો જોઈએ નહીં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગનારાઓને મૂર્ખ ગણાવ્યા હતા.

ડ્રોનથી વીડિયો રેકોર્ડિંગ

આર્મી દ્વારા આ વીડિયો જાહેર કરવા સરકારને અનુરોધ કરાયો છે જેથી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ નથી તેવા આક્ષેપો રાજકારણીઓ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે તેનો અંત આવે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને કોંગ્રેસના સંજય નિરૂપમ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ છે કે કેમ તેની સામે સવાલો ઉઠાવાયા હતા.

બીજા ૧૨ ટેરર કેમ્પોના પુરાવા

મોદી દ્વારા પાંચમી ઓક્ટોબરે સીસીએસની ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં એનએસએ ડોભાલ, કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર હાજર રહ્યા હતા. ડોભાલે આ મિટિંગમાં ગુપ્તચર સંસ્થાઓએ આપેલા પુરાવા રજૂ કર્યા હતા. બીજા ૧૨ ટેરર કેમ્પોની ભાળ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આર્મીએ સોંપેલા વીડિયોમાં તમામ પુરાવા રજૂ કરાયા છે. યુએસના ઉપગ્રહ દ્વારા પણ પુરાવા રેકોર્ડિંગ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter