નવી દિલ્હીઃ ઘણા સમયથી એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ-ટેક ઓફ વખતે દુર્ઘટનામાં ચિંતાનજક રીતે વધારો થયો છે. આવી દુર્ઘટનાને ગંભીરતાથી લઇને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા નવો પ્રયોગ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે કોઈપણ વિમાનનું ઉપડતા અગાઉ કે લેન્ડિંગ પછી અચનાક ચેકિંગ થશે. આ તપાસમાં કોઈપણ એરલાઈન્સે સલામતી સાથે ઢીલ મુકી હોવાનું જણાશે તો તેની સામે પગલાં ભરાશે.
આ અંગે સૂત્રો કહે છે કે, ડીજીસીએ દ્વારા કોઈપણ વિમાનનું દિવસમાં એકવાર અચાનક તપાસ કરાશે. વિમાનમાં મુખ્યત્વે ડિજીટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ ચાલે છે કે કેમ તે ચકાસાશે. ડિજીટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ દ્વારા ફ્લાઈટના ટેમ્પરેચર, ટેકઓફ - લેન્ડિંગ વિગતો, કેબિન પ્રેશર, હવામાન સહિતની વિવિધ માહિતી મળતી હોય છે. તાજેતરમાં જ એર ઈન્ડિયાનું વિમાન બેંગ્લોરથી હૈદ્રાબાદ પહોંચ્યું ત્યારે તે રન-વેથી થોડુ બહાર નીકળી ગયું હતું અને સદ્નસીબે મોટી દુર્ઘટના અટકી હતી. આ ઘટનાની તપાસમાં જણાયું હતું કે, તે વિમાનમાં ડિજીટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ જ બંધ હતું. આ બનાવ પછી વિમાનમાં અચાનક તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.