નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એરલાઇન્સ કંપનીઓની મનમાની અટકાવવા માટે નવી એવિયેશન પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. નવી નીતિ હેઠળ એક કલાકના પ્રવાસ બદલ ૨,૫૦૦ રૂપિયા અને અડધો કલાકના પ્રવાસ બદલ ૧,૨૦૦ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. આથી વધારે ચાર્જીસ એરલાઇન્સ કંપનીઓ વસૂલી શકશે નહીં. હવાઈમુસાફરોને ફાયદો કરાવવા માટે નવી પોલિસીની રચના કરાઇ હોવાનો દાવો સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એરલાઇન્સ કંપનીઓની મનમાની રોકાતાં ગ્રાહકોને લાભ થશે અને બીજી તરફ જે નુકસાન જશે તેની ભરપાઈ સરકાર કરશે. આ નિયમો હેઠળ ડોમેસ્ટિક ફ્લાઇટને વધુ મહત્ત્વમાં આવશે અને દરિયાપારના રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવાના નિયમો હળવા કરાશે.
અહેવાલ અનુસાર, કેબિનેટે મંજૂર કરેલા ડ્રાફ્ટમાં ઘણીબધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, સરકારે એક કલાક કરતાં વધારે મુસાફરી કરતી ફ્લાઇટની ટિકિટ પર બે ટકા સેસ લાગુ કર્યો છે. આ ટેક્સ દ્વારા ભેગી થતી રકમને રિજનલ કનેક્ટિવિટી ફંડમાં જમા કરવામાં આવશે. રૂ. ૨,૫૦૦ની ટિકિટ રાખ્યા બાદ એરલાઇન્સને પડતા બોજની રકમના ૨૦ ટકા રાજ્યો અને ૮૦ ટકા કેન્દ્ર આપશે.
ફ્લાઇટ કેન્સલ થશે તો વળતર
એકાએક ફ્લાઇટ કેન્સલ કરવાના નિયમો કડક કરવામાં આવ્યા છે. એક કલાક દરમિયાન ફ્લાઇટ કેન્સલ થશે તો ગ્રાહકોને ૫,૦૦૦નું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત એકથી બે કલાકના સમયગાળા દરમિયાન ફ્લાઇટ કેન્સલ થશે તો ૭,૫૦૦ અને તેનાથી પહેલાં હશે તો ૧૦,૦૦૦ વળતર ચૂકવવું પડશે. આ ઉપરાંત કોઈ ફ્લાઇટ કેન્સલ કરવાની હોય તો બે મહિના પહેલાં તેનું ઇન્ટિમેશન નાખી દેવું પડશે. ટિકિટ બુક થયા પછી જો પેસેન્જરને મુસાફરી નહીં કરવા દેવામાં આવે તો તેવા સંજોગોમાં વળતરની રકમ ૨૦,૦૦૦ સુધી કરાશે.
બેગેજ ચાર્જ વાજબી થયા
વિવિધ એરલાઇન્સ દ્વારા અત્યાર સુધી ૧૫ કિલો સુધીના બેગેજ ફ્રીમાં લઈ જવા દેવામાં આવતા હતા, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાં ૧૫ કિલોથી વધુનાં બેગેજ પર પ્રતિકિલો ૩૦૦ રૂપિયા ચાર્જ લેવાતો હતો, જે હવે ઘટાડીને ૧૦૦ રૂપિયા પ્રતિકિલો કરવામાં આવ્યો છે. જોકે ૨૦ કિલોથી વધુ વજન હશે તો કંપનીઓ પોતાની રીતે ચાર્જ નક્કી કરી શકશે તેવી પરવાનગી પણ આપવામાં આવી છે.
કેન્સલેશન ચાર્જમાં પણ રાહત
મુસાફરો દ્વારા જાતે પોતાની ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો તેમાં રાહત રહેશે. હવે નવા નિયમો હેઠળ ટિકિટ કેન્સલ કરવા બદલ ૨૦૦ રૂપિયાથી વધુ વસૂલી શકશે જ નહીં. ટિકિટ કેન્સલ થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૧૫ દિવસ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ૩૦ દિવસમાં વળતરની રકમ પરત આપી દેવી પડશે. કેન્સલેશન એમાઉન્ટ બેઝિક ફેરથી વધારે નહીં થાય.
પ/૨૦ નિયમ રદ કરી ૦/૨૦ કરાયો
અત્યાર સુધી એવિયેશન ક્ષેત્રે એવો નિયમ હતો કે કોઈ પણ એરલાઇન્સ કંપનીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવી હોય તો ૨૦થી વધુ વિમાન હોવાં જોઈએ અને તેણે ઓછામાં ઓછાં પાંચ વર્ષ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઓપરેટ કરી હોવી જોઈએ. હવે સરકારે જણાવ્યું છે કે, પાંચ વર્ષનો ડોમેસ્ટિક અનુભવ નહીં હોય તો ચાલશે, પણ ૨૦ એરક્રાફ્ટ ધરાવતી કંપનીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાવવાનો પરવાનો આપવામાં આવશે.