નવી દિલ્હીઃ સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં રોકાણ કરનારા લાખો રોકાણકારોના પૈસા પરત અપાવવા માટે બજાર નિયામક સિક્યુરિટીસ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા (‘સેબી’)ને સહારાની સંપત્તિ વેચી દેવાની જવાબદારી સોંપી છે.
‘સેબી’એ જ સહારા ગ્રૂપની સંપત્તિ વેચવાની મંજૂરી માગતી અરજી કરી હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો છે. કોર્ટે મંગળવારે આદેશમાં કહ્યું હતું કે એક્સપર્ટ એજન્સીઓ સહારાની એ ૮૬ સંપત્તિની કિંમત નક્કી કરે, જેની માલિકી અંગે કોઇ પણ જાતનો વાદવિવાદ નથી.
કોર્ટે આ સાથે જ કહ્યું કે જે કિંમત નક્કી કરવામાં આવે તેના ૯૦ ટકાથી ઓછી રકમની બિડ આવે તો સંપત્તિ વેચવી નહીં. કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે સહારાની એમ્બીવેલી શા માટે વેચી ન દેવી જોઈએ? ઉલ્લેખનીય છે કે એમ્બીવેલી એ સહારા ગ્રૂપનો મહારાષ્ટ્રમાં આવેલો મહત્ત્વાકાંક્ષી રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.
સહારા ગ્રૂપે તેની ૮૬ સંપત્તિઓની યાદી રજૂ કરી છે, જેની કિંમત તેણે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા આંકી છે. જોકે સહારાનો દાવો છે કે આ સંપત્તિ વેચાતી નથી. હવે કોર્ટના આદેશ પછીથી તેને વેચવાની કામગીરી શરૂ થશે.
થોડાક સમય પહેલા સહારાની અમેરિકામાં આવેલી બે હોટેલની લિલામી થવાની હતી, જે છેલ્લી ઘડીએ અટકાવવામાં સહારા સફળ રહી હતી. ગ્રૂપને આ બે હોટેલ બચાવવા માટે જૂન સુધીનો સમય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રોકાણકારોના નાણાં પરત ન ચૂકવવા બદલ સહારાના પ્રમુખ સુબ્રતો રાય બે વર્ષથી જેલમાં કેદ છે. માર્ચ ૨૦૧૪માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો?
સહારા સમૂહની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રિઅલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ૩ કરોડથી વધુ રોકાણકારોના ૧૭,૪૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૦૯માં સહારા પ્રાઇમ સિટીએ આઇપીઓ લાવવા માટે ‘સેબી’માં ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા. ૨૦૧૦માં ‘સેબી’એ તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલો સુપ્રીમમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે બાદમાં આદેશ આપ્યો કે સહારા રોકાણકારોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયા પરત કરે.
જોકે સહારા ચીફ સુબ્રતો રોયે એવું કહ્યું હતું કે મારી પાસે હાલ નાણા નથી. આથી કોર્ટે તેને જેલમાં બેઠા બેઠા સંપત્તિ વેચવાના આદેશ આપ્યા હતા. તેમ છતાં કોઇ નાણા ન મળતા અંતે તેની ૮૬ સંપત્તિ ‘સેબી’ જ વેચી આપે તેવું કોર્ટે કહ્યું છે.
રૂ. ૩૬ હજાર કરોડ પરત કરવાના છે
૨૦૧૪માં સહારાના વડા સુબ્રતો રોયની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે રોકાણકારોના નાણા પરત કરવામાં અસમર્થતા દર્શાવતા આ ધરપકડ થઇ હતી. સહારાએ એક રિઅલ એસ્ટેટની યોજનાના નામે ૩૬ હજાર કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા, પણ પરત ન કર્યા. તેથી આ મામલે ‘સેબી’એ સુપ્રીમમાં ફરિયાદ કરી હતી.
તો સુબ્રતો રોય છૂટી જશે
જો સહારાની સંપત્તિને વેચી દેવામાં આવે તો તેનાથી જે નાણા ઊભા થશે તે રોકાણકારોને ભરપાઇ થઇ જશે. આથી એવી શક્યતાઓ છે કે છેલ્લા બે વર્ષથી જેલમાં કેદ સહારાના વડા સુબ્રતો રોયનો છૂટકારો થઇ શકે છે કેમ કે તેઓએ નાણા ભરપાઇ કરવા સક્ષમ નથી એવું કહ્યું હોવાથી તેમની ધરપકડ થઇ હતી.