મુંબઇઃ સાઈરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેનપદથી તેમના ખરાબ પર્ફોમન્સથી વધુ તેમના નૈતિક મૂલ્યોના કારણે હટાવાયા હતા. ટાટા સન્સના ચેરમેન બન્યા બાદ પણ મિસ્ત્રી શાપૂરજી પાલોનજી ગ્રૂપ સાથે જોડાયેલા રહ્યા. તેનાથી રતન ટાટા ચિંતિત હતા અને તેઓએ આ વિશે અનેકવાર વાત પણ કરી હતી.
મિસ્ત્રીના નિર્ણયો અને કામ કરવાની પદ્ધતિથી એવું લાગી રહ્યું હતું કે તેઓ ટાટા સમૂહને તોડવા માંગતા હતા. તેમના સમયમાં શેરોમાં ડિવિડન્ડ પણ ઓછું મળ્યું, જેના કારણે ટ્રસ્ટના કામોમાં આર્થિક સમસ્યાઓ આવી હતી. ટાટાએ મિસ્ત્રીને પત્ર પણ લખ્યા હતા કે તેઓ જાતે જ અંગત કારણોનો હવાલો આપીને પદ છોડી દે, પરંતુ આવું થયું નહીં અને 2012માં ટાટા સન્સના ચેરમેન બનેલા મિસ્ત્રીને 2016માં ટાટા સન્સથી હટાવી દેવામાં આવ્યા.
પદ્મવિભૂષણ રતન ટાટાના આવા જ કિસ્સાઓ સાથેની તેમની બાયોગ્રાફી ‘રતન ટાટા - એ લાઈફ’ સિનિયર બ્યૂરોક્રેટ થોમસ મેથ્યૂએ લખી છે. આ મહિને લોન્ચ થનારી ટાટાની બાયોગ્રાફી પ્રકાશિત કરવાના અધિકાર મેળવવા માટે પબ્લિશર હાર્પર કોલિન્સે 2 કરોડ રૂપિયાના કરાર કર્યા હતા.
‘રતનના મતે નોએલ ઓછા અનુભવી હતા’
થોમસ મેથ્યૂ અને રતન ટાટાના સંબંધોની શરૂઆત 1995માં થઈ જ્યારે મેથ્યૂ ઉદ્યોગ મંત્રાલયમાં સેક્રેટરી હતા. મેથ્યૂ કહે છે, ‘રતનભાઈ નોએલનું સન્માન કરતા હતા. તેઓ કહેતા હતા કે નોએલ કાબેલ છે, પરંતુ તેમનામાં અનુભવ ઓછો છે. આટલા મોટા સમૂહને ચલાવવા માટે જેટલા અનુભવની જરૂર છે, એટલો નોએલને નથી.’