સાતમા ધોરણની આદ્યાનો મોદીને પત્રઃ મારા પપ્પાને શોધી આપો

Friday 12th August 2016 08:46 EDT
 
 

દેશમાં અનામત માટે રસ્તા પર ઊતરી આવતાં, ગમે ત્યારે આંદોલનના નામે દેશની સંપત્તિને નુક્સાન કરતાં, પોતાનું સામાજિક આર્થિક અસ્તિત્વ ટકાવવાની મોટી મોટી વાતો કરતા લોકોને કદાચ એક સાતમા ધોરણની છોકરીનાં પત્રથી કદાચ ખ્યાલ આવે કે દેશ માટે ત્યાગ શું હોય? આપણી સુરક્ષામાં જોતરાયેલો માણસ એ નથી જાણતો કે તમે આંદોલનકારી છો કે સુપરસ્ટાર છો કે દિવસ આખો મજૂરી કરીને સ્વમાનથી બે ટંક બચકું રોટલો ખાઈને ખુશીથી ફૂટપાથ પર ફાટેલી ચાદરમાં પણ નિરાંતની ઊંઘ લેતા મજૂર. એનું લક્ષ્ય બસ આપણી સુરક્ષા છે. પછી એ પોતાની દીકરીને નજરો નજર ન જોઈ શકવાના ભોગે પણ કેમ ના હોય?

નરેન્દ્ર મોદી બાળકોના સવાલોનાં જવાબ જલદીથી આપે છે. એવું ક્યાંકથી જાણી ગયેલી આ ટબૂકડીએ મોદીને પત્ર લખ્યો. એના સવાલો સાવ સહજ હતાં, પણ પાછળનું રહસ્ય અને દર્દ તમને ત્યારે સમજાય જ્યારે પત્ર પૂરો થાય અને તમારી આંખોમાંથી ખારો વરસાદ થતો હોય. પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના મથકેથી ૨૦૦૪માં એક વિમાન ખોવાઈ ગયું હતું. આ ઘટનામાં ફ્લાઈટ એન્જિનિયર સંજયકુમાર ઝા પઠાણકોટ એરબેઝથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. સંજયકુમારનું કમનસીબ જુઓ કે આ માણસે પોતાની બાળકીને નજરોનજર જોઈ પણ નહોતી. આ સંજયકુમારની દીકરી એટલે આદ્યા. આદ્યા દિલ્હીની કેન્દ્રિય વિદ્યાલયમાં અત્યારે તો સાતમા ધોરણમાં ભણે છે. માતા અને પરિવાર સાથે ઉત્તમનગરમાં રહે છે.

આદ્યા સમજણી થઈ ત્યારથી એની ખ્વાહિશ છે કે પિતાને જોવા છે. બીજાં બાળકો પોતાનાં પાપા જોડે રમે એમ એને પણ રમવું છે. આદ્યાને ક્યાંકથી એટલી ખબર પડી કે નરેન્દ્ર મોદીને કહીએ તો આનો કંઈક ઉકેલ આવે એટલે એણે નરેન્દ્રઅંકલને પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર લખી નાંખ્યો છે.

પત્રમાં લખ્યું છે કે, મારા પપ્પાને શોધી આપો. મેં ક્યારેય તેમને જોયા નથી. મારે પણ બીજાં છોકરાંઓની જેમ જ મારા પપ્પા સાથે રમવું છે. હું જ્યારે મારા પપ્પા વિશે પૂછું ત્યારે મમ્મી અને દાદીમાં ચૂપ જ રહે છે. મને એ કોઈ જવાબ કેમ નથી આપતાં? મારી મમ્મી સેંથો પૂરતી વખતે કેમ હંમેશાં રડે છે? મારા દાદીમાં ક્યારેય ખુશ કેમ નથી થતાં? મેં ક્યારેય તેમને હસતાં નથી જોયાં. એ ખૂબ જ ઓછું બોલે છે.

ભાવનાત્મક પત્ર લખનારી હતાશ આદ્યાની માતા મમતાએ પોતાના પતિ વિશેની ભાળ કે પગેરું ગોતવા માટે અગાઉ સીબીઆઈ તપાસની માગ પણ કરી હતી. આદ્યાના નાનાએ પણ આદ્યાના પપ્પાને શોધવા માટે કંઈ કેટલાય અધિકારીઓને પત્રો લખીને કે રૂબરૂ મળીને સંજયકુમારની જાણકારી મેળવવા ઘણા પ્રયાસો કરી જોયાં છે.

નરેન્દ્ર મોદી આ દીકરીને શું જવાબ આપે એ તો રામ જાણે, પણ આ પત્ર વાંચીને આપણામાં એટલી સહિષ્ણુતા તો આવવી જોઈએ કે સંજય જેવા કેટલાય લોકો આપણી સુરક્ષા કરતાં, સુરક્ષા માટે કે દેશ માટે ગુમ થઈ જાય છે કે જીવ ખોઈ બેસે છે ત્યારે આપણે દેશમાં સારું પ્રદાન ન કરી શકીએ તોય દેશને નુક્સાન થાય કે બટ્ટો લાગે એવાં ‘નાના મોટાં’ અસહિષ્ણુ કામ તો કમ સે કમ ન કરીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter