૨૦૧૩માં બનેલા મુઝફ્ફનગર રમખાણ કેસના મામલામાં વિશ્વ હિંદુ પરિષદની અગ્રણી સાધ્વી પ્રાચીએ ૧૮મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે અગાઉ અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પછી ગુરુવારે આખરે તે કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે તેમની વિરુદ્ધ પાઠવેલા જામીનપાત્ર વોરન્ટને સંભળાવ્યા સાથે રૂ. ૨૦,૦૦૦ના બોન્ડ પર તેમને જામીન અપાયા હતા. આ સાથે જ સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન પણ કોર્ટ તરફથી થયું હતું. મુઝફ્ફરનગર રમખાણ કેસમાં તેમના વિરુદ્ધ ડિસેમ્બર ૧૮ના રોજ જાહેર કરાયેલા વોરન્ટ બાદ તેઓ કોર્ટમાં હાજર ન થતાં ૨૩ જાન્યુઆરીના રોજ તેમનાં વિરુદ્ધ ફરી વોરન્ટ જારી થયું હતું. જોકે ત્યારે પણ તે કોર્ટમાં હાજર થયાં નહોતા, જેના કારણે ત્રીજીવાર આ મામલે વોરન્ટ ઇશ્યુ કરાયું હતું.