સાળા-બનેવીના અદમ્ય સાહસથી આતંકવાદી જીવતો ઝડપાયો

Thursday 06th August 2015 04:17 EDT
 
 

ઉધમપુરઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદને જીવતો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે આમાં રસપ્રદ વાત એ છે કે, આશરે ૧૬થી ૧૮ વર્ષના આ આતંકવાદીને જીવિત પકડી લેનારા સુરક્ષા દળના જવાનો નહીં, પણ સામાન્ય નાગરિકો હતા. આ આતંકવાદીએ જેમને બંધક બનાવ્યા હતા તે વિક્રમજીત સિંહ અને રાકેશ કુમારે જ તેમને ઝબ્બે કર્યો હતો. વિક્રમજીત અને રાકેશ બન્ને સગપણમાં સાળા-બનેવી થાય છે.
આતંકવાદીને પકડી લેનારા વિક્રમજીતે કહ્યું હતું કે આ આતંકવાદીએ અમને કહ્યું હતું કે જો તું મને ભાગવાનો રસ્તો બતાવીશ તો હું તને કોઇ નુકસાન નહીં કરું. એ જ વખતે અમે તેને પકડી લેવાનો નિર્ણય કર્યો હતો. એણે અમારી ખૂબ મારપીટ પણ કરી હતી. એ બૂમો મારતો હતો કે, રસ્તો બતાવો. મારે ફરાર થવું છે. એ હિન્દીમાં વાતો કરતો હતો. એ ભૂખ્યો હતો.
વિક્રમજીતે નિખાલસતાથી કબૂલ્યું છે કે અમે તેને ખાવાનું પણ આપ્યું હતું. એ પછી તેણે જોયું કે પોલીસ અમારી પાછળ આવી રહી છે ત્યારે તેણે અમને ધમકાવવાનું શરૂ કર્યું હતું. એ જ વખતે રાકેશે તેની ગરદન પકડી લીધી હતી અને મેં એકે-૪૭ ઝૂંટવી લીધી હતી. એ વખતે એણે ફાયરિંગ કર્યું એટલે મને હાથમાં સામાન્ય ઈજા થઈ છે.
આતંકવાદી તેમના સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગે રાકેશ કુમારે કહ્યું હતું કે, અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે જ સશસ્ત્ર આતંકવાદી અમારી સામે આવી ગયો હતો. એણે અમારી સામે આવીને બહાર નીકળવાનો રસ્તો પૂછ્યો હતો. તેણે કહ્યું હતું કે તમને કોઈ જ નુકસાન નહીં પહોંચાડવામાં આવે. જોકે, એ વખતે મેં અને વિક્રમજીતે એને પકડવાનો નિર્ણય કરી લીધો હતો. આતંકવાદીને પકડ્યા પછી તેણે છુટવા માટે અમને બચકાં પણ ભર્યાં હતાં, પણ અમે તેને છોડ્યો નહોતો.
આતંકવાદીને જીવતો ઝબ્બે કર્યા પછી વિક્રમજીત અને રાકેશે બૂમો મારીને સેનાના જવાનોને કહ્યું હતું કે, તેમણે એક આતંકવાદીને જીવતો પકડી લીધો છે. તમે ગોળીઓ ના છોડતા. અમે જાણતા હતા કે, હાથમાં હથિયાર આવતા જ આતંકવાદી અમને નહીં છોડે એટલે અમે તેને એકદમ પકડી રાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter