મુંબઈઃ રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ તેની પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડા બાબતે પિતા વિજયપત સિંઘાનિયા સાથે જાહેરમાં વિખવાદ થયા પછી સમાધાન થઈ રહ્યાનો સંકેત આપ્યો છે. રેમન્ડના માલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના પિતાને ઘરમાં આવકાર આપ્યો હતો. તેમણે પિતા સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું કે ઘરમાં પિતાનું સ્વાગત કરીને તેમના આશીર્વાદ મેળવતા આનંદ થાય છે. ગૌતમે પિતાના સારા આરોગ્યની શુભકામના પણ વ્યક્ત કરી હતી.
વિજયપત સિંઘાનિયાએ 2015માં ગૌતમને કંપનીનું સુકાન આપી દેવાના પોતાના નિર્ણયનો જાહેરમાં અફસોસ વ્યક્ત કર્યો ત્યારે બંને વચ્ચેનો અણબનાવ વધી ગયો હતો. વિજયપતે ત્યારે જણાવ્યું હતું કે તેણે પોતાના પુત્રને તમામ મિલકત આપી દેવાની મૂર્ખતા કરી હતી અને દરેક વાલીઓએ તેમના બાળકોને તમામ મિલકત આપી દેવા અગાઉ વિચાર કરવો જોઈએ.
વિજયપતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ગૌતમને અણગમતી વાત કરીએ તો તે મારી સામે ચીસો પાડતો અને મને ગાળો દેતો. આથી જ હું તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો. વિજયપતે એવું પણ જણાવ્યું હતું કે તેણે ગૌતમને તમામ મિલકત આપી દીધી હોવાથી તેમને પોતાનું ગુજરાન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.
હાલ ગૌતમના તેના પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. નવાઝે તેની પાસે પતાવટ તરીકે મિલકતનો 75 ટકા હિસ્સો માગ્યો છે. તેમને નિહારીકા અને નિસા બે પુત્રીઓ છે.
વિજયપત સિંઘાનિયાએ એવી પણ સ્પષ્ટતા કરી કે તેઓ ગૌતમ અને નવાઝ દ્વારા લેવાયેલા નિર્ણયમાં હસ્તક્ષેપ નહિ કરે. તેમણે ખુલાસો કર્યો કે તેઓ આ સંઘર્ષમાં તેમના પુત્રની બદલે તેમની પુત્રવધુ નવાઝના પક્ષે રહેશે અને તેને સમર્થન આપશે.
જોકે ગૌતમના સમાધાનના સંદેશથી એવા સંકેત મળ્યા છે કે સિંઘાનિયા પરિવાર કાનૂની લડાઈ વચ્ચે એકત્ર થઈ રહ્યો છે અને પોતાના વિખવાદોનો શાંતિમય ઉકેલ લાવવાના પ્રયાસ કરશે.