સિદ્ધુનું રાજ્યસભામાંથી રાજીનામું

Wednesday 20th July 2016 08:37 EDT
 

પંજાબમાં થનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. 'આપ' તેમને પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવી શકે છે. સિદ્ધુનાં પત્ની અને પંજાબ સરકારના મુખ્ય સંસદીય સચિવ નવજોત કૌરનાં પણ રાજીનામાની ચર્ચા છે. સિદ્ધુએ કહ્યું પંજાબની ભલાઇ માટે રાજ્યસભાનું સભ્યપદ સ્વીકાર્યું હતું. પંજાબની ભલાઇના દરવાજા બંધ થઇ જતાં તેનો મતલબ રહેતો નથી. 

• સોનિયા-રાહુલે બે વર્ષથી સંસદમાં સવાલ નથી પૂછ્યોઃ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા એક પણ વખત મોદી સરકારને સવાલ કરાયા નથી. તે ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ ૧૬મી લોકસભામાં એક પણ સવાલ કર્યા નથી. કોંગ્રેસે આ સ્થિતિનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, અમે પહેલાં દિવસથી જ સરકારની જનવિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી અને સકારાત્મક વિપક્ષ તરીકે કામગીરી બજાવી છે. રાહલે ભલે સરકારને સીધા સવાલ ન કર્યાં હોય પણ કોંગ્રેસી સાંસદો દ્વારા જે સવાલ કરાયા તે રાહુલે જ સૂચવ્યા હતા.

• અડધાથી વધુ ભારતીય ડોક્ટરો મેડિકલ પ્રેક્ટિસ માટે ગેરલાયકઃ ભારતમાં તબીબી સેવાના ધાંધિયાની નવાઈ નથી. પણ ધાંધિયા કેવા છે, તેની ખબર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રજૂ કરેલા રિપોર્ટ હેલ્થ વર્કફોર્સ ઈન ઈન્ડિયા દ્વારા આવે છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં અડધાથી વધારે ડોક્ટરો મેડિકલી ક્વોલિફાઈડ નથી. એમાંય ગ્રામ્ય વિસ્તારમાં તો પાંચમાંથી એક જ ડોક્ટર ખરેખર આવડત ધરાવે છે. રિપોર્ટ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ક્વોલિફાઈડ ડોક્ટરોનું પ્રમાણ ૧૮.૮ ટકા જ છે. આ રિપોર્ટ માટે જોકે વર્ષ ૨૦૦૧ની વસતી ગણતરીનો આધાર લેવામાં આવ્યો છે.
• અરુણાચલમાં રાજકીય હાઈડ્રામાનો અંતઃ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનપદે કોંગ્રેસના પેમા ખાંડુએ શપથ લીધા હતા. આમ કેટલાક મહિનાથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના ટેકાથી રાજ્યમાં ભાજપની સરકાર રચવાના મોદીના પ્રયાસો પર ઠંડું પાણી ફરી વળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter