નવી દિલ્હી, જમ્મુઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં પ્રચંડ હિમસ્ખલનના છ દિવસ બાદ આશરે ૨૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત મળેલા ઇંડિયન આર્મીના લાન્સ નાયક હનુમંતથપ્પા કોપ્પડ આખરે જિંદગી સામેનો જંગ હારી ગયા છે. દિલ્હીની આર્મી રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જવાન હનુમાનથપ્પાના જિંદગી સામેના આ જંગે તબીબી વિજ્ઞાન સામે અનેક પ્રશ્નો સર્જ્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં ત્રીજી ફેબ્રુઆરીએ ૧૯,૫૦૦ ફૂટની ઊંચાઇએ થયેલા હિમપ્રપાતમાં ઇંડિયન આર્મીના ૧૦ જવાનો જીવતા દટાઇ ગયાં હતાં. વ્યાપક શોધખોળના અંતે આ તમામ જવાનોને શહીદ જાહેર કરી દેવાયા હતા, ત્યાં હનુમંતથપ્પા છઠ્ઠા દિવસે જીવતા મળવાની ચમત્કારિક ઘટના સર્જાઇ હતી. અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા હનુમંતથપ્પાની કિડની અને લીવર કામ કરતા બંધ થઇ ગયા હતા અને તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. દેશભરમાં તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના યોજાઇ હતી તો કેટલાક લોકોએ આ બહાદુર જવાનને પોતાની કિડની આપવા પણ તૈયારી દર્શાવી હતી.
આ પૂર્વે મંગળવારે નોર્ધન કમાન્ડના આર્મી કમાન્ડર લેફટ્નન્ટ જનરલ ડી. એસ. હૂડાએ જણાવ્યું હતું કે, લાન્સ નાયક હનુમંતથપ્પા છ દિવસ બાદ જીવતા મળી આવ્યા છે. તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે, પણ અમને આશા છે કે ચમત્કાર જારી રહેશે. અમારી સાથે લાન્સ નાયક માટે પ્રાર્થના કરો. સર્ચ ઓપરેશનમાં ૯ શહીદ જવાનોના મૃતદેહ મળી આવ્યાં છે. લાન્સ નાયક હનુમંતથપ્પાને સારવાર માટે દિલ્હીની આર આર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સેનાના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ હનુમંતથપ્પા કોમામાં છે. તેમને ઘણો આઘાત લાગ્યો છે. તેમનું બ્લ્ડ પ્રેશર પણ ઘણું નીચું છે. હાલ તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર સારવાર અપાઇ રહી છે. આગામી ૪૮ કલાક તેમના માટે ઘણા મહત્ત્વના છે. તેમને ન્યૂમોનિયા થઇ ગયો છે અને કિડની તથા લીવર કામ કરતા નથી.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આર્મી ચીફ દલબીર સિંહે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લાન્સ નાયક હનુમંતથપ્પાની મુલાકાત લીધી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે લાન્સ નાયકના જુસ્સા, ધૈર્ય અને સાહસ માટે મારી પાસે શબ્દો નથી. તેઓ અદ્વિતીય લડવૈયા છે.
નિષ્ણાતોના મત પ્રમાણે આ સ્થિતિમાં ફક્ત યોગીઓ જ જીવિત રહી શકે છે, પરંતુ હનુમંતથપ્પા જે રીતે બચ્યા છે તે એક ચમત્કાર છે. ડોક્ટર વિજયના જણાવ્યા અનુસાર અચાનક બરફની દીવાલ પડી હશે અને હનુમંતથપ્પાની આસપાસની હવાને બહાર નીકળવાની તક મળી નહીં હોય. આ હવાએ તેમની આસપાસ એર બબલ બનાવી દીધો હશે. ઠંડીના કારણે લાન્સ નાયક બેભાન બન્યાં હશે અને કાર્ડિયોપ્લેજિયાની સ્થિતિમાં તેમના શરીરના અંગોએ લઘુતમ કામગીરી શરૂ કરી હશે અને તેના પરિણામે શરીર ઓછામાં ઓછા ઓક્સિજનનો ઉપયોગ કરવા લાગ્યું હશે. શરીરની માગ લગભગ શૂન્ય પર પહોંચી હશે. આ સ્થિતિએ લાન્સ નાયકને ૬ દિવસ સુધી જીવિત રાખ્યા હશે.
વ્યાપક સર્ચ અભિયાન
ટનબંધ બરફની નીચે દટાયેલા હનુમંતથપ્પાને શોધી કાઢવામાં માટે ૧૫૦થી વધુ સૈનિકો અને ડોટ તથા મિશા નામના બે સ્નિફર ડોગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૫ ફૂટથી ઊંચા બરફના ઢગલા નીચે દટાયેલા સૈનિકોને શોધી કાઢવા સ્પેશિયલ આઇસ કટિંગ મશીન અને પેનિટ્રેટિંગ રડારની મદદ લેવાઇ હતી. રેસ્ક્યુ ટીમના જવાનો, તબીબી ટીમ, રેસ્ક્યુ માટે જરૂરી સાધનસામગ્રી વગેરેને ઘટનાસ્થળે પહોંચાડવા માટે એરફોર્સના હેલિકોપ્ટર્સે ૩૦૦થી વધુ ફેરા કર્યા હતા.
સ્નિફર ડોગની મહત્ત્વની ભૂમિકા
રેસ્ક્યુ ટીમે જવાનોની શોધખોળ માટે જમીનમાં ઊંડે સુધી તપાસ કરી શકે તેવા થર્મલ ઇમેજ કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. જોકે સ્નિફર ડોગે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. રેસ્ક્યુ ટીમનો એક સ્નિફર ડોગ બરફના ઢગલા નીચે કંઇક હોવાનો સંકેત સાથે એક સ્થળે જઇને બેસી ગયો હતો. આ સંકેતના આધારે રેસ્ક્યુ ટીમે ખોદકામ શરૂ કર્યું તો ૨૫ ફૂટ ઊંડેથી ઇજાગ્રસ્ત લાન્સ નાયક હનુમંતથપ્પા મળી આવ્યા હતા.
પતિનો પુનર્જન્મ: પત્ની
કર્ણાટકમાં ધારવાડ ખાતે વસતા પિતાએ જણાવ્યું હતું કે, અમે તેને ભગવાન હનુમાનનું નામ આપ્યું છે તેથી તેણે મોતને પરાજિત કર્યું છે. જ્યારે પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિનો પુનર્જન્મ થયો છે. હનુમંતથપ્પા જીવિત હોવાના સમાચારથી હરખઘેલી માતાએ જણાવ્યું હતું કે તે મારા સ્વપ્નમાં આવ્યો હતો અને બોલ્યો હતો કે હું પાછો આવીશ.
શારીરિક સજ્જતાના કારણે બચાવ
પ્રચંડ હિમપ્રપાતના પાંચ દિવસ બાદ આશરે ૨૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી ઇંડિયન આર્મીના લાન્સ નાયક હનુમંતથપ્પા કોપ્પડ જીવંત મળી આવતાં સુખદ્ ચમત્કાર સર્જાયો છે. હાલ ૪૮ કલાક હજુ પણ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે ત્યારે મેડિકલ સાયન્સ સમક્ષ પણ કેટલાક પ્રશ્નો ખડા થયા છે. હિમની ગાઢી ચાદર તળે માનવશરીર કેટલો લાંબો સમય અસ્તિત્વ ટકાવી શકે એ અંગેના અભ્યાસમાં હનુમંતથપ્પાનો કિસ્સો નવો પ્રકાશ પાડી શકે છે.
સાધારણ રીતે એવું મનાય છે કે હીમચાદર નીચે દબાયેલી વ્યક્તિ ઓક્સિજનના અભાવથી અને તીવ્રતમ ઠંડીના કારણે હૃદયના ધબકારા નિરંકુશ થઇ જતા હોવાથી મૃત્યુ પામતી હોય છે. આમ છતાં હનુમંતથપ્પા પાંચ દિવસ પછી ૨૫ ફૂટ ઊંડી હિમચાદર તળેથી જીવંત મળ્યા છે. આથી આર્મી મેડિકલ રિસર્ચ વિંગને નવી આશાઓ દેખાઈ રહી છે.
ઇંડિયન આર્મીની મેડિકલ સર્વિસિસ વિંગના ડાયરેક્ટર જનરલ રહી ચૂકેલા (નિવૃત્ત) લેફ્ટેનન્ટ જનરલ ડો. વેદ ચતુર્વેદીએ આ ચમત્કારિક બચાવ માટે હનુમંતથપ્પાની શારીરિક સજ્જતાને મુખ્ય કારણ ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે, સિયાચીન જેવા દુર્ગમ સ્થળોએ ફરજ બજાવતા જવાનોની શારીરિક સજ્જતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આમ છતાં અત્યંત વિષમ હવામાનનો સામનો કરવાનું સ્હેજે ય આસાન હોતું નથી. અહીં હાઈ એલ્ટિટયુડ પલ્મોનરી ઈડીમા જેવી તકલીફ જીવલેણ નીવડે છે, જેમાં વ્યક્તિના ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી જીવનું જોખમ ઊભું થાય છે.
હનુમંતથપ્પાનો ઉલ્લેખ કરીને ડો. ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 'આ એક જવલ્લે જ જોવા મળતી ઘટના કહી શકાય. કારણ કે, માઈનસ ૩૦ કે ૪૦ ડિગ્રી તાપમાનમાં ફસાયેલી વ્યક્તિના શરીરમાં નિષ્ક્રિયતાને લીધે બહુ ઝડપથી લોહી ગંઠાવા (થ્રોમ્બોસિસ) લાગે છે. મગજ કે હૃદયને લોહી પહોંચાડતી નળીઓમાં રક્ત જામવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. આમ છતાં હનુમંતથપ્પાનું હૃદય અને મગજ પાંચ દિવસે પણ સાબુત રહ્યા છે. હાલ તેમને લિવર અને કિડનીની તકલીફ મુખ્ય જણાય છે.'
હનુમંતથપ્પાનો ચમત્કારિક બચાવ હિમપ્રદેશમાં ફરજ બજાવતા જવાનોની શારીરિક સજ્જતાનો નવો કાર્યક્રમ ઘડવામાં મદદરૂપ થશે અને ભવિષ્યમાં વધુ જાનહાનિ અટકાવી શકાશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.