નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2023-24 માટેનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં મહિલા, યુવા, નોકરિયાત ને સિનિયર સિટિઝનનો ખાસ ખ્યાલ રખાયો છે. આ બધાની વચ્ચે ખાસ વાત એ રહી હતી કે નિર્મલા સીતારામને આ વખતે પોતાનું સૌથી નાનું બજેટ ભાષણ વાંચ્યું છે. તેમણે 2023-24 માટેના બજેટ માટે માત્ર 87 મિનિટનું બજેટ ભાષણ વાંચ્યું હતું.
...પણ સૌથી ટૂંકું બજેટ પ્રવચન એચ. એમ. પટેલનું
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી નાનું બજેટ ભાષણ આપવાનો વિક્રમ એચ. એમ. પટેલના નામે નોંધાયેલો છે. 1977માં નાણાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા અને એચ. એમ. પટેલ તરીકે જાણીતા હીરુભાઇ મૂળજીભાઇ પટેલે માત્ર 800 શબ્દોનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. ચરોતરના ધર્મજના વતની અને આઇસીએસ અધિકારી તરીકે અનેક મહત્ત્વના હોદ્દા પર કામ કરી ચૂકેલા એચ. એમ. પટેલે 1977થી 1979 દરમિયાન નાણાપ્રધાન તરીકે સુપેરે જવાબદારી સંભાળી હતી. બાદમાં તેઓ ગૃહપ્રધાન પણ બન્યા હતા.