લખનઉઃ લખનઉ સ્થિત સહારા ગ્રૂપના પ્રમુખ અને સંસ્થાપક સુબ્રતા રોયનું 14 નવેમ્બરે રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં 75 વર્ષની વયે અવસાન થયું છે. ચીટ ફંડમાં રોકાણકારોનાં નાણાં ફસાવાથી તથા રાજકીય વર્ગના જોરે ઔદ્યોગિક સામ્રાજ્ય આગળ વધારવાના આક્ષેપો સહિતના વિવાદોમાં ખરડાયેલા ઉદ્યોગપતિ સુબ્રતો રોય લાંબા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી મેટાસ્ટેટિક મેલીગ્નેન્સી અને હાયપરટેન્શનથી પીડાતા હતા. કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.
લખનઉમાં તેમને ગોમતી નદીના કિનારે 16 વર્ષના પૌત્ર સિમાંકે અગ્નિદાહ આપ્યો હતો. તેમના પત્ની સ્વપ્ના રોય કે વિદેશમાં સ્થાયી બન્ને પુત્રો સુશાંતો અને સીમાંતોમાંથી કોઇએ પણ આ સમયે હાજરી આપવાનું ટાળ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં બોલીવૂડના ગાયક સોનુ નિગમ, બોની કપૂર, સ્મિતા ઠાકરે, રાજ બબ્બર વગેરે જોડાયા હતા. જ્યારે રાજકારણીઓમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસના પ્રમોદ તિવારી જોડાયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે તેમને સોશિયલ મીડિયા પર અંજલિ આપી હતી.
બિહારના અરારિયામાં 10 જૂન 1948ના રોજ જન્મેલા સુબ્રતો રોય ભારતીય ઉદ્યોગજગતમાં બિનપરંપરાગત ચહેરો ગણાતા હતા. તેઓ પોતાને કંપનીના મેનેજિંગ વર્કર અને ગ્રૂપને પરિવાર તરીકે ઓળખાવતા હતા. તેમના જૂથમાં એક સમયે બાર લાખ કર્મચારી હતા. પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક તરીકે તેમણે ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, ઉડ્ડયન, મીડિયા, આરોગ્ય અને હોસ્પિટાલિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભું કર્યું હતું. આ જૂથ 11 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમનું સ્પોન્સર રહ્યું હતું.
જોકે તેમના પાછલા વર્ષો કાયદાની આંટીઘૂંટીમાં વીત્યા હતા. માર્ચ 2014માં સેબી સાથેના વિવાદ સંબંધિત કેસમાં કોર્ટમાં હાજર ન થવાના કારણસર સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. આ જૂથ રોકાણકારોને તેમની રકમ પાછી આપે એવી સેબીની માગણી હતી. સુબ્રતો રોય 2016માં માતાના નિધનના પગલે પેરોલ પર છુટ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે આ હેતુ માટે સહારા-સેબી રિફન્ડ એકાઉન્ટ શરૂ કર્યું છે.
સુબ્રતાનો પરિવાર કયા દેશમાં વસ્યો?
સહારા ગ્રૂપના સર્વેસર્વા સુબ્રતા રોયનું નિધન સાથે જ આંચકાજનક હકીકત બહાર આવી છે. તેમના અંતિમ સમયે તેમના પરિવારમાંથી કોઈ તેમની પાસે નહોતું. સુબ્રતા રોયને સુશાંતો અને સીમાંતો નામે બે દીકરા છે. તેમનાં પત્નિ સ્વપ્ના પણ હયાત છે, પણ ત્રણેયમાંથી કોઈ તેમની પાસે નહોતું કે તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજર ના રહ્યા. અંતિમ સંસ્કાર પણ પૌત્ર હિમાંકે મુખાગ્નિ આપીને કર્યા. લંડનમાં ભણતો હિમાંક સીમાંતોનો પુત્ર છે. સુબ્રતોના બંને દીકરા અને પત્નિ રીપબ્લિક ઓફ મેસોડોનિયાનાં નાગરિક થઈ ગયાં છે. ભારત આવે તો કાનૂની લફરામાં પડી જવાય ને ધરપકડ પણ થઈ શકે એ ડરે તેમણે સુબ્રતાના અંતિમ સંસ્કારમાં આવવાનું પણ ટાળ્યું છે.