નવી દિલ્હીઃ સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની બેંક ગેરન્ટી અને ૫,૦૦૦ કરોડ રૂપિયા રોકડા આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓ બેન્ક ગેરન્ટી રજૂ કરી શક્યા નથી.
સુબ્રતો રોયના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે, ૫,૦૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરન્ટી મેળવવામાં અડચણો આવી રહી છે, કારણ કે જે નાણાકીય સંસ્થાએ બેંક ગેરન્ટી આપવાનું વચન આપ્યું હતું તેણે પીછેહઠ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, હવે જ્યાં સુધી સહારા બેંક ગેરન્ટી જમા ન કરાવે ત્યાં સુધી જામીન અરજી મુદ્દે કશું જ નહીં થાય.
કોર્ટે જણાવ્યું હતું કે, બેન્ક ગેરન્ટી અને રોકડ જમા કરાવ્યા બાદ જ રોયને જામીન મળશે. જામીન મળ્યાના ૧૮ મહિનાની અંદર સુબ્રતો રોયે નવ હપ્તામાં રોકાણકારોના ૩૬,૦૦૦ કરોડ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દેવા પડશે. એટલું જ નહીં, તેમણે દર ૧૫ દિવસે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. વિદેશ જવા મંજૂરી લેવી પડશે.