નવી દિલ્હીઃ ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા ફરી એક વાર સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ - યુસીસી)નો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે વારંવાર યુસીસીને લઈને ચર્ચા કરી છે અને અનેક વખત આદેશ પણ આપ્યા છે. જોકે દેશનો એક મોટો વર્ગ માને છે કે જે સિવિલ કોડને લઈને આપણે જીવી રહ્યા છીએ, જે ખરેખર એક સાંપ્રદાયિક અને ભેદભાવયુક્ત છે, જે કાયદા ધર્મના આધારે લોકોના ભાગલા પડે છે, ઊંચ-નીચનું કારણ બની જાય છે તેવા કાયદાનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. હવે દેશની માગ છે કે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોય.
એક દેશ - એક કાયદો
સેક્યુલર સિવિલ કોડ કે યુનિફોર્મ સિવિલ કોડ કે સમાન નાગરિક સંહિતા એટલે તમામ વર્ગ માટે એક જ કાયદો. સરળ ભાષામાં કહીએ તો એક દેશ - એક કાયદો. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, જૈન અને આદિવાસી - તમામ ધર્મમાં વિવિધ એક્ટ અને પોતાના નિયમો છે, જે અંતર્ગત તમામ લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, ઉત્તરાધિકારી, સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓ માટે તમામ ધર્મોમાં અલગ-અલગ કાયદા છે. સંવિધાનના અનુચ્છેદ 44માં કહેવાયું છે કે, તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું દાયિત્વ સરકારનું છે. અનુચ્છેદ 44 ઉત્તરાધિકારી, સંપત્તિ અધિકાર, લગ્ન, છૂટાછેડા અને બાળકની કસ્ટડી અંગે સમાન કાયદાની અવધારણા પર આધારિત છે.
આજે ભારત દુનિયામાં રમકડાંનું નિકાસકાર
વડાપ્રધાને કહ્યું હતું કે આજે ભારત સમગ્ર દુનિયામાં રમકડાની નિકાસ કરી રહ્યું છે. આપણા દેશ પ્રત્યે ગૌરવનો ભાવ ઓછો હતો, પણ આજે દુનિયાભરમાં ભારતના રમકડા સ્થાન મેળવી રહ્યા છે. પહેલા આપણે મોબાઇલ આયાત કરતા હતા આજે નિકાસ કરીએ છીએ. એ જ ભારતની તાકત છે. ભવિષ્ય સાથે સેમિકન્ડક્ટર, એઆઈ જોડાયેલું છે. આપણે સેમિકન્ડક્ટરની દિશામાં કામ ચાલુ કર્યું છે. હવે સેમિકન્ડક્ટરનું પણ ઉત્પાદન ભારતમાં થશે. આપણે હવે સિક્સ-જી મિશન મોડ પર છીએ. ડિફેન્સ સેક્ટરમાં આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ.
બાંગ્લાદેશ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બાંગ્લાદેશની સ્થિતિ વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે પણ થયું છે તેનાથી પડોશી હોવાને કારણે આપણે ચિંતિત છીએ. આપણે આશા કરીએ છીએ કે ત્યાં પરિસ્થિતિ જલદી જ સામાન્ય થશે. સાથે જ ત્યાંના હિન્દુ, લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આપણા પડોશી દેશ સુખ-શાંતિના માર્ગ પર ચાલે. શાંતિ પ્રત્યે આપણે સમર્પિત છીએ. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસ યાત્રાના આપણે શુભચિંતક રહીશું. આપણે માનવ જાતિ માટે વિચારનારા લોકો છીએ.
અરાજકતા ફેલાવનારા લોકો પ્રત્યે સાવધ રહેજો
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશમાં અરાજકતા ફેલાવનારા લોકો પ્રત્યે દેશવાસીઓને સાવધ રહેવા કહ્યું હતું, તેમણે કહ્યું હતું કે આપણે સંકલ્પ સાથે આગળ તો વધી રહ્યા છીએ પરંતુ કેટલાક લોકો છે જેઓ પ્રગતિ જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતનું ભલું જોઈ શકતા નથી. જ્યાં સુધી તેમનું ભલું ન થાય ત્યાં સુધી તેઓ કોઈનું પણ ભલું જોઈ શકતા નથી. આ નિરાશામાં રહેલા લોકો છે. જ્યારે તેમની અંદર વિકૃતિ ઉછરે છે ત્યારે તે વિનાશનું કારણ બની જાય છે. અરાજકતાનો માર્ગ લઈ લે છે. તેનાથી મોટું નુકસાન થઈ જાય છે.