અમદાવાદઃ ઇઝરાયલનું યુદ્ધ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ 17 વર્ષની ઊંચી સપાટીએ પહોંચવાનો આંચકો ભારતીય શેરબજારને એટલો ભારે પડ્યો છે કે ચાર દિવસની સળંગ નરમાઇમાં આંક ચાર મહિનાની નીચલી સપાટીએ ગબડ્યો છે. મંગળવારે દશેરાની રજા પૂર્વે તેજીવાળાઓની બજારથી દૂર થવાની વૃત્તિએ સોમવારે સેન્સેક્સ 826 પોઇન્ટ તૂટીને 64,572ની સપાટીએ બંધ રહ્યો હતો, જે 28 જૂન પછીનું સૌથી નીચલું સ્તર હતું. સેન્સેક્સમાં સોમવારનો કડાકો છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હતો. નિફ્ટી 260,90 પોઇન્ટ ઘટીને 19,282 રહ્યો હતો.
લાર્જ કેપ કરતાં સ્મોલ અને મિડ કેપ શેરોમાં વેચવાલી વધુ રહેતાં માર્કેટ કેપિટલાઇઝેશન 27.60 લાખ કરોડ ઘટીને રૂ. 311.30 લાખ કરોડના સ્તરે ગબડ્યું હતું. ચાર જ દિવસમાં સેન્સેક્સમાં રૂ. 1,856 પોઇન્ટ અને માર્કેટ કેપમાં રૂ. 712.52 લાખ કરોડ સાફ થઈ ગયા છે. ઇઝરાયલ અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડ જે રીતે ઊંચા સ્તરે રહ્યા છે તેને જોતાં નજીકના ભવિષ્યમાં બજારની ચાલ અસ્થિર રહેવાનું મોટા ભાગના એનાલિસ્ટોનું માનવું હતું.
અમેરિકાના બોન્ડ યીલ્ડ ઊંચા રહેતાં ફેડરલ રિઝર્વનું વલણ સાવચેતીનું રહેવાની સાથે વધુ લાંબો સમય વ્યાજદર ઊંચા સ્તરે રહેવાની ભીતિ વધી હતી. આવા વાતાવરણમાં ચીનના આર્થિક ડેટા પણ બિનપ્રોત્સાહક હતા. આની વિપરીત અસર વચ્ચે સ્થાનિકમાં દશેરાની રજાને કારણે બજાર મંગળવારે બંધ હોવાથી છેલ્લા ક્લાક પહેલાં સ્થાનિક ઓપરેટરો અને ટ્રેડરોની વેચવાલી વધી હતી.
ઘટાડો આંકડામાં...
• 826 પોઇન્ટનો સેન્સેક્સમાં ૩ મહિનાનો સૌથી મોટો ઘટાડો
• 1856 પોઇન્ટ સેન્સેક્સ સળંગ ચાર દિવસમાં ઘટ્યો
• 1596 પોઇન્ટનો કડાકો સ્મોલ કેપ આંકમાં નોંધાયો
• 799 પોઇન્ટનો ઘટાડો મિડ કેપ આંકમાં આવ્યો
• રૂ. 7.60 લાખ કરોડનું એમકેપ એક દિવસમાં ઘટ્યું
• રૂ. 12.52 લાખ કરોડનું ધોવાણ એમકેપમાં ચાર દિવસમાં
ઘટાડા પાછળના કારણ...
• અમેરિકાના ટ્રેઝેરી બોન્ડ ચીલ્ડ 17 વર્ષની ટોચે
• ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વધુ વણસવાની ભીતિ
• એફપીઆઇની ઓક્ટોબરમાં 713,500 કરોડની વેચવાલી
• મિડ અને સ્મોલ કેપ શેરોના વેલ્યૂએશન અંગે ચિંતા
• આઇટી પછી બેન્કિંગ સેક્ટરના માર્જીન દબાણમાં જોવાયા