મુંબઇઃ વિક્રમ સંવત 2079નું વર્ષ બુલિયન રોકાણકારો માટે સુવર્ણ સાબિત થયું છે. એક વર્ષમાં સરેરાશ સોના-ચાંદીમાં 18-20 ટકાથી વધુ રિટર્ન રહ્યું છે, જે રોકાણલક્ષી અન્ય સાધનોની તુલનામાં સૌથી વધુ છે. અને નવા શરૂ થયેલા વિક્રમ સંવત 2080માં પણ સોના-ચાંદીમાં સારા રિટર્નનો આશાવાદ છે. ખાસ કરીને સોના કરતા ચાંદીમાં સવાયા રિટર્નની આશા છે.
કેડિયા કોમોડિટીઝના અજય કેડિયાનું કહેવું છે કે સોના-ચાંદીની તેજીના મુખ્ય કારણોમાં ટ્રેડવોર, જિયોપોલિટીકલ ઇશ્યુ, વૈશ્વિક સ્લોડાઉન ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા હવે રેટકટ રહેવાના કારણે સલામત ગણાતા સોના-ચાંદીમાં તેજીતરફી માહોલ બની રહ્યો છે. બુલિયન માર્કેટમાં અને ખાસ કરીને સોનામાં રોકાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વર્ષ 2018માં નવેમ્બરના 1226.2 ડોલર હતો, જે નવેમ્બર 2023 સુધીમાં 2000 ડોલર સુધી પહોંચ્યું છે. જે આગામી વર્ષે નવી ટોચ બનાવવા સાથે 2150- 2200 ડોલર પહોંચવાનું અનુમાન છે. તેના પગલે સ્થાનિક બજારમાં સોનું રૂ. 70,000 સુધી પહોંચી શકે છે.
ટોચના કોમોડિટી એક્સપર્ટ કેડિયાનું માનવું છે કે વિક્રમ સંવત 2080માં ચાંદી રૂ. 85000 થઇ શકે છે, અને સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી વર્ષ દરમિયાન નીચામાં 20 ડોલર અને ઉપરમાં 27 ડોલર થવા સાથે સ્થાનિક બજારમાં નીચામાં રૂ. 67,000 થઇ શકે જ્યારે ઉપરમાં રૂ. 85,000 પ્રતિ કિલોગ્રામ થઇ શકે તેવી સંભાવના છે.
કેડિયાએ કહ્યું હતું કે વૈશ્વિક બજારની મૂવમેન્ટ કરતા ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના આધારે સ્થાનિક બજારમાં સૌથી વધુ વધઘટ જોવા મળે છે. રૂપિયાની ચાલ પર સોના-ચાંદીની તેજી-મંદીનો ટ્રેન્ડ નિભર રહેલો છે.