હાજીપુરઃ વિવાદ ઊભો કરવા માટે જાણીતા કેન્દ્રીય પ્રધાન અને બિહારના સાંસદ ગિરિરાજ સિંહે વંશીય ટિપ્પણી કરીને ફરીથી વિવાદ સર્જયો છે. ગિરિરાજ સિંહે બુધવારે પ્રશ્ન કર્યો હતો કે, જો સોનિયા ગાંધી ગોરા રંગના ના હોત તો શું કોંગ્રેસે તેમના નેતૃત્વનો સ્વીકાર કર્યો હોત? આ નિવેદનથી રોષે ભરાયેલી કોંગ્રેસે વડા પ્રધાન મોદીને ગિરિરાજ સિંહને બરતરફ કરવા અને રાષ્ટ્રની માફી માગવા જણાવ્યું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આ નિવેદનની ટિકા કરી છે.
ગિરિરાજ સિંહે પત્રકારો સાથેની ચર્ચામાં એવું નિવેદન આપ્યું હતું કે, ‘જો રાજીવ ગાંધીએ નાઇજિરિયાની મહિલા સાથે લગ્ન કર્યા હોત અને જો તે ગોરા રંગના ના હોત તો શું કોંગ્સે તેમના નેતૃત્ત્વનો સ્વીકાર કર્યો હોત?’
નાના અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય કક્ષાના પ્રધાન ગિરિરાજની આ ટિપ્પણીનો મહિલા નેતાઓએ પણ વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ટિપ્પણીથી તેમનું મહિલાઓ પ્રત્યેનું વલણ અને અને તેમની વંશીય માનસિકતા છતી થાય છે.