મુંબઈઃ સોવરિન ગોલ્ડ બોન્ડસ (એસજીબી)ની પ્રથમ શ્રેણી નવેમ્બર 2015માં બહાર પડી હતી. આ બોન્ડસ હવે આઠ વર્ષ બાદ પાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેનો રિડમ્પશન ભાવ પ્રતિ યુનિટ રૂપિયા 6132 નિશ્ચિત કર્યો છે. આમ પહેલી સીરિઝમાં રોકાણકર્તાઓ128 ટકાનું તોતિંગ વળતર મેળવશે. રિઝર્વ બેન્કે નવેમ્બર 2015માં એક ગ્રામના રૂપિયા 2684ના ભાવે એસજીબીની પ્રથમ શ્રેણી બહાર પાડી હતી. છેલ્લા આઠ વર્ષમાં ગોલ્ડના ભાવ બમણાથી પણ વધુ વધી જતા આ બોન્ડસ પર રોકાણકારોને સારું વળતર મળી રહ્યું છે. આ બોન્ડસ 30 નવેમ્બરના પાકી રહ્યા છે.
એસજીબીના ભાવમાં તીવ્ર વધારા ઉપરાંત રોકાણકારોને વાર્ષિક 2.75 ટકાના દરે વ્યાજની પણ આવક થઈ છે. 2015માં એસજીબીની પ્રથમ શ્રેણીમાં જેમણે રોકાણ કર્યું હતું તેવા રોકાણકારોને અંદાજે 128 ટકા જેટલું વળતર છૂટયું છે. દેશમાં સોનાની હાજર માગ ઘટાડવાના ભાગરૂપ સરકારે સોનાના ભાવ સાથે જોડી દેતા એસજીબી યોજના બહાર પાડી છે. આમ છતાં દેશમાં સોનાની આયાતમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.