સૌથી વધારે ૮૬.૪૦ ટકા સાક્ષરતાદર જૈન સમુદાયમાં

Friday 02nd September 2016 07:51 EDT
 

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા ધર્મ અને લિંગના આધારે શૈક્ષણિક દર દર્શાવતા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે મુજબ દેશમાં મુસ્લિમોની કુલ વસતીના ૪૨.૭ ટકા લોકો અભણ છે જ્યારે જૈન સમુદાયમાં સાક્ષરતાનો દર ૮૬,૪૦ ટકા છે.આ આંકડા ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે જાહેર કરાયા છે. આ આંકડા મુજબ દેશમાં હિંદુઓની કુલ વસ્તીનાં ૩૬.૪૦ ટકા લોકો નિરક્ષર છે જ્યારે શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી જેવા અલ્પસંખ્યક સમુદાયમાં નિરક્ષરતાદર ક્રમાનુસાર ૩૨.૫, ૨૮.૨ ટકા અને ૨૫.૬ ટકા છે. જો આખા દેશની વાત કરીએ તો દેશમાં કુલ વસતીના ૩૬.૯૦ ટકા લોકો નિરક્ષર છે. ખ્રિસ્તી સમુદાયની કુલ વસતીના ૭૪.૩૦ ટકા સાક્ષર છે જ્યારે બૌદ્ધ, શીખ અને હિંદુ તેમજ મુસ્લિમ સમુદાયની કુલ વસતીના ક્રમશઃ ૭૧.૮, ૬૭.૫ અને ૬૩.૬ અને ૫૭.૩ ટકા લોકો સાક્ષર છે.

દેશના તમામ ધર્મોને ધ્યાનમાં લઈને તો કુલ વસતીના ૫.૬૩ ટકા લોકો સ્નાતક કે તેથી વધુ ભણેલાં છે. જેમાં ૬૧.૬૦ ટકા પુરુષ અને ૩૮.૪૦ ટકા મહિલા સામેલ છે. તમામ ધર્મોના ૭થી ૧૬ વર્ષની વય ગ્રૂપનાં લોકોને ધ્યાનમાં લઈએ તો ૧૧.૭ ટકા લોકો નિરક્ષર છે જ્યારે ૧.૪૬ ટકા લોકો સ્વસાક્ષર એટલે શિક્ષણ લીધા વિના ભણેલાં છે. ૩૬.૬૭ ટકા લોકોએ પ્રાથમિક શિક્ષણથી ઓછો અભ્યાસ કર્યો છે. જ્યારે ૨૬.૬૨ ટકા લોકોએ પ્રાથમિક સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ૧૫.૫૬ ટકા મિડલસ્કૂલ સુધી અને ૫.૬૯ ટકાએ ૧૦માં ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે.

વિવિધ ધર્મનાં લોકોનો સાક્ષરતા દર

જૈનઃ ૮૬.૪૦ ટકા

ખ્રિસ્તીઃ ૭૪.૩૦ ટકા

બૌદ્ધઃ ૭૧.૮ ટકા

શીખઃ ૬૭.૫ ટકા

હિંદુઃ ૬૩.૬ ટકા

મુસ્લિમઃ ૫૭ ટકા

ધર્મ મુજબ દેશમાં સ્નાતકોની સંખ્યા

જૈનઃ ૨૫.૬૫ ટકા

ખ્રિસ્તીઃ ૮.૮૪ ટકા

શીખઃ ૬.૩૯ ટકા

બૌદ્ધઃ ૬.૧૭ ટકા

હિંદુઃ ૫.૯૮ ટકા

મુસ્લિમઃ ૨.૭૫ ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter