સ્ટાર્ટઅપ ઇંડિયા, સ્ટેન્ડઅપ ઇંડિયાઃ યુવા ઉદ્યોગસાહસિકો માટે મોદીમંત્ર

Wednesday 20th January 2016 04:57 EST
 
 

નવી દિલ્હીઃ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને ભારતના ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની નેમ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ઇંડિયા સ્ટેન્ડઅપ ઇંડિયાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી છે. વડા પ્રધાને ગયા વર્ષે સ્વાતંત્ર્ય દિને આ યોજનાની જાહેરાત કરી હતી. વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં તેમણે યોજનાની રૂપરેખા રજૂ કરી ત્યારે દેશવિદેશના ટોચના સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત હતા.
વડા પ્રધાને યુવાશક્તિને આહવાન આપતા જણાવ્યું હતું કે, આધુનિક ભારતના યુવાનો જોબ સિકર નહીં, જોબ ક્રિયેટર બને. સ્ટાર્ટઅપનાં વખાણ કરતાં તેમણે જણાવ્યું કે, આપણે ત્યાં મિલિયન સમસ્યાઓ છે તો બિલિયન માઇન્ડ છે જે તેનું નિરાકરણ લાવી શકે છે. હું સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સ્ટેન્ડઅપ ઇન્ડિયા માનીને ચાલું છું. દેશમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે હેન્ડહોલ્ડિંગ જ સાચું અને સબળ માધ્યમ છે. એકબીજાની સાથે રહેવાથી જ વિકાસ કરી શકાશે.
તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરતા જણાવ્યું કે, દરેક સ્ટાર્ટઅપ માટે ત્રણ વર્ષ સુધી કોઈ કરવેરા લાગુ કરવામાં આવશે નહીં, તેનું નિરક્ષણ પણ કરવામાં આવશે નહીં. સ્ટાર્ટઅપ્સનાં વખાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનોને પોતાની પેટન્ટની નોંધણી કરાવવા માટે મફત કાયદાકીય સલાહ આપવામાં આવશે. આ તે ઉપરાંત તેમાં જ્યાં ફી ભરવાની આવશે તેમાં ૮૦ ટકા સુધી લાભ આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટ પર ભાર મૂકાશે. સરકારી ખાતાઓમાં ખરીદી દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા જ રજિસ્ટ્રેશન કરાશે. સ્ટાર્ટઅપને ત્રણ વર્ષ સુધી કરવેરામાંથી મુક્તિ ઉપરાંત કેપિટલ ગેઇન ટેક્સમાંથી પણ મુક્તિ મળશે. તેમના માટે ક્રેડિટ ગેરન્ટી ફંડની સ્થાપના કરાશે. ૯૦ દિવસની અંદર નિષ્ફળ સ્ટાર્ટઅપમાંથી બહાર નીકળી શકાશે.

શું છે આ સ્ટાર્ટઅપ?

સ્ટાર્ટઅપ્સ માટે હાલ ભારતમાં કોઇ ચોક્કસ વ્યાખ્યા સરકાર દ્વારા નક્કી કરાઇ નથી, પણ સાદા શબ્દોમાં કહીએ તો સ્ટાર્ટઅપ એટલે નવોદિતો દ્વારા નાના પાયે હાથ ધરાતું પ્રયોગશીલ અને વ્યાપક જનહિતકારી ઉદ્યોગસાહસ. વિદેશમાં કેટલાક એવા બિઝનેસને સ્ટાર્ટઅપમાં સામેલ કરાયા છે કે જેમાં શરૂઆત હાલમાં જ થઇ હોય અને વિકાસની શક્યતાઓ વધુ હોય. આ કારણસર જ આવા ઉદ્યોગસાહકોને પુષ્કળ આર્થિક ભંડોળ મળતું હોય છે. જેમ કે, ફ્લિપકાર્ટ (ઇ-કોમર્સ), ઉબેર (ટેક્સી સર્વિસ), બિગરોક (ડોમેન પ્રોવાઇડર્સ) વગેરે. સાદી ભાષામાં કહીએ તો હાલ માત્ર નાનો બિઝનેસ, પણ તેનો વિસ્તાર બહુ મોટો હોય તો તેને સ્ટાર્ટઅપ બિઝનેસ કહી શકાય. રેસ્ટોરાં ખોલવું કે ફ્રેન્ચાઇઝી લેવી તે સ્ટાર્ટઅપ નથી. એવી શક્યતાઓ છે કે ભારતમાં હેડ ક્વાર્ટર ધરાવતી અને છેલ્લા પાંચ વર્ષમાં સ્થાપવામાં આવી હોય તેવી કંપનીઓને સ્ટાર્ટઅપની યાદીમાં રાખવામાં આવી શકે છે.
એક અંદાજ અનુસાર ભારતમાં હાલ લગભગ ૪૫૦૦ સ્ટાર્ટઅપ છે. અને સરકારને એવી આશા છે કે ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૧ હજારથી વધુ સ્ટાર્ટઅપ તૈયાર થવાની શક્યતાઓ છે.
સ્ટેન્ડઅપ ઇંડિયા અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિનાં લોકોને તેમ જ મહિલાઓને ઉદ્યોગસાહસ શરૂ કરવા માટે લોન અપાશે. સ્ટેન્ડઅપ ઇંડિયાનો મુખ્ય ઉદ્દેશ જે ક્ષેત્રમાંથી ઉદ્યોગસાહસિકો ઓછા આવે છે તે ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના અંતર્ગત સરકાર ત્રણ લાખ નવા ઉદ્યમીઓને પગભર કરવા માગે છે.

વિકાસ માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા

નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જેમ સ્ટેન્ડઅપ ઇન્ડિયા પણ દેશમાં લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ બેન્કો દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિનાં લોકોને તથા મહિલાઓને ઉદ્યમ શરૂ કરવા માટે લોન આપવામાં આવશે. ગત વર્ષે સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન દ્વારા આ યોજનાની જાહેરાત કરી હતી, તેને અલગ રીતે જ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જે વિભાગમાંથી ઉદ્યોગસાહસિકો આવતા નથી તે ક્ષેત્રમાં વિકાસ લાવવાની આ પહેલ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા મહિલાઓને આ યોજના હેઠળ બેંક દ્વારા લોન પૂરી પાડવામાં આવશે.
સ્ટેન્ડઅપ ઇન્ડિયા અંગે જેટલીએ વધુ જણાવ્યું કે, બેંકની દરેક શાખા પછી તે સરકારી હોય કે ખાનગી તેણે અનુસૂચિત જાતિ-જનજાતિ તથા મહિલાઓના એક એક સ્ટાર્ટઅપને અપનાવવું પડશે. તમામ બેંકો દ્વારા બે-બે સ્ટાર્ટઅપને પ્રોત્સહન આપવામાં આવતાં આગામી બે વર્ષમાં ૩ લાખ નવા ઉદ્યમી તૈયાર કરી શકાશે.
બજાર અને વૈશ્વિક અર્થતંત્ર અંગે નાણા પ્રધાને જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે દાયકામાં એકાદ વખત વૈશ્વિક આર્થિક સંકટ આવતું હતું, પણ હવે સ્થિતિ એ થઈ છે કે દિવસમાં બે વખત આવું થાય છે. વિશ્વનાં બજારો અને લોકો હવે તેનાથી ટેવાઈ ગયાં છે.

ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન

એનડીએ સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારાં બજેટમાં સરળ કરપ્રણાલી લાગુ કરાશે, જેથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડી શકાય. નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આગામી બજેટમાં ઘણા ફેરફાર કરવામાં આવશે. આગામી બજેટ એ રીતે તૈયાર કરવામાં આવશે કે જેથી લાયસન્સ રાજનો અંત આવી જાય.
તેમણે સ્ટાર્ટઅપ સંમેલનને સંબોધતા જણાવ્યું કે, અમે અત્યારથી જ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવી કર-પ્રણાલી વિકસાવવાનું કામ શરૂ કરી દીધું છે. કેટલાંક પગલાંઓને નોટિફિકેશન જારી કરીને લાગુ કરવામાં આવશે. જ્યારે કેટલાક નિર્ણયોના અમલીકરણ માટે કામ ચાલી રહ્યું છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવી અન્ય જોગવાઈઓ અને નીતિઓ છે જે આગામી બજેટમાં રજૂ કરી શકાય તેવી છે અને તે લાભકારક રહેશે. ભારત સરકાર અને બેંકો સંયુક્ત રીતે સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સંસાધનોનું સર્જન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter