સ્વિસ બેંકમાં ગુજરાતીઓના રૂ. બે હજાર કરોડ

Tuesday 10th February 2015 12:12 EST
 

સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે. ટોપ-૧૦૦ ખાતાધારકોની જાહેર કરાયેલી યાદીમાં ૩૫ ગુજરાતીઓ છે. જેમના ખાતામાં રૂ. બે હજાર કરોડથી વધુની રકમ હોવાનું બહાર આવ્યું છે. જાહેર થયેલી યાદીમાં સુરતના શીતલ ડાયમંડના ગોવિંદ કાકડિયા, વડોદરાના ડો. અતુલ પટેલ અને રાજકોટના ગેલેક્સી ગ્રૂપના રાજેશ પટેલ તથા અરવિંદ મહેતાનું ખાતુ હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત તેમાં ઉદ્યોગપતિઓ અંબાણી બંધુઓ સહિત નેતાઓ, હીરાના વેપારીઓ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જોકે, મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે કહ્યું કે, તેમના સ્વિસ બેંકમાં કોઈ રીતનું ગેરકાયદે એકાઉન્ટ નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ પણ તેમનું કે તેમના પરિવારના કોઈ સભ્યનું આવું એકાઉન્ટ હોવાની વાત નકારી હતી.

આ ખાતાઓમાં વર્ષ ૨૦૦૭ સુધી ૪.૧ બિલિયન ડોલરનું બેલેન્સ હતું. આ ઘટસ્ફોટ પછી કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે. કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે, આ યાદીમાંના મોટાભાગનાં નામ સરકારે પહેલેથી જ જાણીતી હતી. પુરાવા એકત્ર થઇ રહ્યા છે. વિદેશી બેંકોમાં ગેરકાયદે ખાતાં ખોલાવનારાઓ સામે કાર્યવાહી થશે. નવા ઘટસ્ફોટથી કાળાં નાણાં મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીની તપાસનો દાયરો વધી ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter