વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને બનાવેલા કડક કાયદા પછી ભારતીયોના સ્વિસ બેન્કમાં રૂપિયા જમા કરાવામાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે. અત્યારે સ્વિસ બેન્કમાં ૧.૮ બિલિયન સ્વિસ ફ્રાંક થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વિટ્ઝર્લૅન્ડની સ્વિસ બેન્કમાં ભારતીયો દ્વારા સીધી રીતી જમા કરવામાં આવતા રૂપિયાની ટકાવાળી ઘટીને ૧.૭૭ બિલિયન સ્વિસ ફ્રાંક અને બીજા દેશો દ્વારા રાખવામાં આવેલી રકમ ૩.૮ કરોડ સ્વિસ ફ્રાંક થઇ છે. વિશ્વભરના લોકો દ્વારા સ્વિસ બેન્કમાં જમા રાશી ૨૦૧૪ના અંત સુધીમાં વધીને ૧૬૦૦ બિલિયન સ્વિસ ફ્રાંક થઇ ગઇ છે.
ભુજબળ પાસે રૂ. ૨૫૦૦ કરોડની સંપત્તિઃ મહારાષ્ટ્રના સદન કૌભાંડની તપાસ કરી રહેલ એસીબીએ તાજેતરમાં એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને ત્યાં દરોડા પાડ્યા હતા અને અબજો રૂપિયાની સંપત્તિ શોધી કાઢી હતી. તેમની પાસે રૂ. ૨૫૦૦ કરોડની સંપત્તિ હોવાનો અંદાજ છે. નાસિકમાં ૧૦૦ કરોડનો બંગલો છે. જે તેમના પુત્રના નામે છે. તેમાં ૨૫ રૂમ, સ્વિમિંગપૂલ અને જીમ છે. લોનાવાલામાં ૨.૮૨ હેક્ટરમાં ફેલાયેલા ૬ બેડરૂમના આલિશાન બંગલામાં હેલીપેડ, સ્વિમિંગપૂલ તથા વિદેશી ફર્નિચર તથા પ્રાચીન મૂર્તિ છે. એક સમયે દાદરમાં છગન ભુજબળ ફુલ વેચતા હતા.
આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાનું નિધનઃ ભારતના સર્વોત્તમ આર્કિટેક ગણાતા કોરિયાનું ૮૪ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમ-સંગ્રહાલય, નવરંગપુરામાં સરદાર ક્રિકેટ સ્ટેડિયમ, ખાનપુરનું ગન હાઉસ વગેરેની ડિઝાઇન બનાવી છે. આધુનિક ગુજરાત સહિત દેશ-વિદેશમાં તેમણે કરેલા અનેક બાંધકામોની ડિઝાઈન આઈકોનિક બની છે. તેમનું સૌથી જાણીતું બાંધકામ સાબરમતી આશ્રમના સંગ્રહાલયની છે. તેની ડિઝાઈન કરી ત્યારે કોરિયા ૨૮ વર્ષના યુવાન હતા (મૂળ આશ્રમ તો ગાંધીજીએ તૈયાર કર્યો હતો, પણ પાછળથી જે નવા પ્રદર્શન વિભાગો ઉમેરાયા એ કોરિયાએ ડિઝાઈન કર્યા છે). આશ્રમના બાંધકામમાં તેમણે ગાંધીજીએ વાપરી હતી એવી જ ચીજો, લાકડું, માટી વાપરવાનો તેમણે આગ્રહ રાખ્યો હતો.
યોગના આસન કૂતરાની હરકત જેવાં છેઃ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇએમ)ના મહાસચિવ સીતારામ યેચુરી યોગને કૂતરાઓ સાથે જોડીને વિવાદ ઊભો કર્યો છે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે તેમણે જણાવયું હતું કે કૂતરું જ્યારે ઊઠે ત્યારે પોતાના આગળ અને પાછળના પગને ખેંચે છે. ઊંડો શ્વાસ લે છે. તમામ યોગાસનો કૂતરાઓનાં વર્તમાન જોઈ શકાય છે. તેમના આ નિવેદનની ટિ્વટર ઉપર ભરપૂર ટીકા થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ દ્વારા મહત્ત્વના મુદ્દા ઉપરથી લોકોનું ધ્યાન અન્ય ખસેડવામાં આવી રહ્યું છે. યોગ કરતાં પહેલાં ભૂખમરાથી છૂટકારો મેળવવો જરૂરી છે.
દુષ્કર્મના આરોપમાં ફિલ્મકારની ધરપકડઃ ફિલ્મ ‘પીપલી લાઈવ’ના સહ દિગ્દર્શક મહમૂદ ફારુકીને પોલીસે દુષ્કર્મના આરોપસર ઝડપી લીધો છે. તેના વિરુદ્ધ ભારતીય મૂળની અમેરિકી મહિલાએ ફરિયાદ કરી હતી. ૩૦ વર્ષની આ મહિલા કોલંબિયા યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર છે. ફારુકીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને ૬ જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ ૧૯ જૂને નોંધાઇ હતી. ૨૦ જૂને ફારુકીની ધરપકડ થઇ હતી. ફારુકી ફિલ્મ પીપલી લાઇવનાં ડિરેક્ટર અનુષા રિઝવીના પતિ છે.