શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો કરાયો હતો. જોકે આર્મી કેમ્પને ઉડાવી દેવાના ઇરાદાથી આવેલા આ ત્રણેય આતંકીઓને સુરક્ષા દળોએ છ કલાકની અથડામણ બાદ ઠાર માર્યા હતા. વહેલી સવારે ૫ કલાકે આ હુમલો કરાયો હતો. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પાકિસ્તાનના માર્કા ધરાવતી દવાઓ, અન્ય ચીજવસ્તુઓ તેમજ ડ્રાયફ્રૂટ મળી આવ્યાં હતાં. ત્રણ એકે-૪૭ રાઇફલ અને અન્ય શસ્ત્રો જપ્ત કરાયાં હતાં. અથડામણમાં આર્મીના બે જવાનોને ઈજા થયાના અહેવાલો છે. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પછી સરહદપારથી આતંકવાદીઓની ઘૂસણખોરી તો અટકી છે, પરંતુ આ પૂર્વે જ ભારતમાં પ્રવેશવામાં સફળ આતંકવાદીઓએ આ હુમલો કર્યાનું મનાય છે.
પાકિસ્તાની વસ્તુઓ મળી
આર્મીના કર્નલ રાજીવ સચાને કહ્યું હતું કે આતંકીઓને પડકારવામાં આવતા તેમણે ફાયરિંગ શરૂ કર્યું હતું. આ પછી જવાનોએ સતર્કતા દર્શાવીને વળતો ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણેય આતંકીઓ માર્યા ગયા હતા. આતંકીઓ પાસેથી ભારતના નકશા, ભારતીય ચલણી નોટો, ‘મેઇડ ઇન પાકિસ્તાન’ લખેલી દવાઓ, સૂકા મેવાના પેકેટ, જીપીએસ સિસ્ટમ વગેરે મળી આવ્યા હતા.
હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન
આર્મી સત્તાધિશોના જણાવ્યા મુજબ અથડામણ દરમિયાન એક કે બે આતંકી ભાગી જવામાં સફળ રહ્યા હોવાથી હેલિકોપ્ટર દ્વારા તેમનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકીઓ સવારે ૫ કલાકે હંદવાડાના લંગેટ ખાતે ૩૦ રાષ્ટ્રીય રાઇફલ્સના આર્મી કેમ્પ પર ત્રાટક્યા હતા.
બારામૂલામાં આર્મી કેમ્પ પર કરાયેલા હુમલાના ચાર દિવસ પછી ફરી આર્મી કેમ્પને ટાર્ગેટ બનાવાયો છે. આ એક ફિદાયીન હુમલો હતો. આતંકીઓ લશ્કરના ડ્રેસમાં આવ્યા હતા. આ મહિનામાં આર્મી કેમ્પ પર આ ત્રીજો હુમલો કરાયો છે. ચાર દિવસ અગાઉ બારામૂલામાં વહેલી સવારે આવો હુમલો કરાયો હતો જેમાં બે આતંકીઓને ઠાર કરાયા હતા. બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. આ અગાઉ ૧૮ સપ્ટેમ્બરે ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં ૨૦ જવાનો શહીદ થયા હતા. ભારતે ગયા મહિને પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.
ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ
આર્મીના જવાનો દ્વારા ૫ અને ૬ ઓક્ટોબરે રાત્રે નૌગામ સેક્ટરમાં બે તેમજ રામપુર સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. આતંકવાદીઓને ભારતની સરહદમાં ઘુસાડવા માટે પાકિસ્તાનની આર્મી પોસ્ટ દ્વારા કવર ફાયરિંગ કરાય છે તેમ આર્મીના અધિકારીઓએ જણાવ્યું હતું.