ભોપાલઃ શિરડી સાંઈબાબા વિરુદ્ધના નિવેદનોને કારણે વિવાદો સર્જનારા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૩૦મી ઓક્ટોબરે ભોપાલમાં
એક વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યું હતું.
પોસ્ટરમાં હનુમાનજી ઝાડ ઉખેડીને તેનાથી સાંઈબાબા પર હુમલો કરતા હોય તેવું દેખાય છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવા આ પોસ્ટરમાં સાંઈબાબા ભાગતા હોય અને હનુમાનજી તેમને મારવા તેમની પાછળ દોડતા હોય તેવું દૃશ્ય છે. દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ એવું પણ નિવેદન આપ્યું છે કે, જ્યાં જ્યાં સાંઈબાબાના મંદિર છે ત્યાં-ત્યાં હનુમાનજીના મંદિર બનશે. તેમણે એ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે, સાંઈબાબા ભગવાન નથી અને તેમની પૂજા ન થવી જોઇએ.
સંવેદનશીલ વિષયઃ સંઘ
દરમિયાન, પહેલી નવેમ્બરે રાંચીમાં યોજાયેલી સંઘની બેઠકમાં સરકાર્યવાહક ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, શંકરાચાર્યનો પોતાનો મત છે કે સાંઈબાબા ભગવાન નથી. મારા મત મુજબ સાંઈએ ક્યારેય પોતાને ભગવાન માન્યા પણ નથી. આ અત્યંત સંવેદનશીલ વિષય છે. આવી વાતો ફેલાવીને સમાજને ગેરમાર્ગે દોરવો જોઇએ નહીં.