નવી દિલ્હીઃ ભારતમાં સામાજિક સુરક્ષા મેળવવા માટે વિદેશવાસી ભારતીયો નેશનલ પેન્શન સિસ્ટમનો લાભ લઇ મળી શકશે. પેન્શન નિયમનકાર પીએફઆરડીએના ચેરમેન હેમંત કોન્ટ્રાકટરે જણાવ્યું છે કે, NRI નેશનલ પેન્શન સિસ્ટમ રોકાણ કરી શકે તે રિઝર્વ બેન્કે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર આવાં રોકાણ માટે ટૂંકસમયમાં ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં કેટલાક સુધારા અને સ્પષ્ટતાઓ કરશે જેથી એનઆરઆઈનું રોકાણ આકર્ષી શકાય.
કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, વિદેશવાસી ભારતીયના રોકાણ માટે એનપીએસને માન્ય રોકાણ ગણવું કે કેમ અને એનઆરઆઈ રોકાણમાં તેને ઉમેરવું કે કેમ તે અંગે કેટલીક વિસંગતતા છે, આથી રિઝર્વ બેન્કને પૂછવામાં આવતાં તેણે સ્પષ્ટતા કરી છે કે નેશનલ પેન્શન સિસ્ટમને ઇન્સ્યોરન્સ તેમ જ મ્યુચ્યુઅલ ફંડ સમકક્ષ ગણવી જેથી એનઆરઆઈ તેમાં રોકાણ કરી શકે. સરકાર હવે ફેમાના નિયમોમાં આ મુજબ ટૂંકમાં સ્પષ્ટતા કરશે.
હેમંત કોન્ટ્રાક્ટરે કહ્યું કે, NRIમાટે નેશનલ પેન્શન સ્કીમનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને જે લોકો મધ્યપૂર્વના દેશોમાં રહે છે અને કોઈ સોશિયલ સિક્યોરિટી સ્કીમના લાભ મેળવતા નથી તેવાં લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ સિસ્ટમથી વરિષ્ઠ નાગરિકો મોટી ઉંમરે નાણાંની બચત કરી શકશે. તેમને ટેક્સના લાભ પણ મળશે.