હવે ઉત્તરાખંડનાં ચમોલીમાં ‘ડ્રેગન’ની ઘૂસણખોરી

Thursday 28th July 2016 06:16 EDT
 
 

નવી દિલ્હી, દેહરાદૂનઃ અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ, લેહ કે લદાખમાં ઘૂસણખોરી કરતા રહેલા ચીને આ વખતે ઉત્તરાખંડમાં ઘૂસણખોરી કરી છે. ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) દ્વારા આ અંગેનો રિપોર્ટ કેન્દ્રનાં ગૃહ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો છે. તેમજ ભારતીય સેનાના વડાને પણ આનાથી માહિતગાર કરાયા છે. અહેવાલ અનુસાર, ૧૯ જુલાઈએ ચીનના સૈનિકો ચમોલી જિલ્લામાં બારાહોટી વિસ્તારમાં ભારતની હદમાં આવી ગયા હતા. ભારત અને ચીનના સૈનિકો એક કલાક સુધી આમનેસામને આવી ગયા હતા. ભારતીય સીમામાં ચીનની ઘૂસણખોરીના અહેવાલને બુધવારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવતે પણ સમર્થન આપ્યું હતું.
ઉત્તરાખંડની ૩૫૦ કિલોમીટર લાંબી સરહદ ચીન સાથે જોડાયેલી છે. આ વિસ્તારમાં ચીન ૮૦ ચોરસ કિલોમીટર વિસ્તાર તેનો હોવાનો દાવો કરે છે. અગાઉ ૨૦૧૩-૧૪માં પણ ચીને ચમોલીમાં ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા. તાજેતરમાં ચીનથી આવતા જાસૂસીના ફોન-કોલ્સમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથેની સાંઠગાંઠ બહાર આવી હતી. ભારતીય સેનાની મૂવમેન્ટ અને પોઝિશન જાણવા માટે ચીન દ્વારા સ્થાનિક જાસૂસોને ફોન કરાતા હોય છે. મુખ્ય પ્રધાન રાવતે કહ્યું હતું કે તેઓ મહત્ત્વની કેનાલ સુધી પહોંચ્યા ન હતા તે સારી વાત હતી.

જૂનમાં ત્રણ વખત ઘૂસણખોરી

ગયા જૂન મહિનામાં જ ચીન દ્વારા ત્રણ વખત ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ રિજિયનમાં પીપલ્સ લિબરેશન આર્મી ઓફ ચાઈના (પીએલએ)ના ૫૦ સૈનિક ત્રણ ગ્રૂપમાં ભારતની બોર્ડરમાં ઘૂસ્યા હતા. આઈટીબીપીના જવાનો પાંગોંગ ત્સો સરોવર નજીક ઇન્ટરનેશનલ યોગ-દિન પર યોગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ અગાઉ ૯ અને ૧૫ જૂને ચીન દ્વારા ઘૂસણખોરી કરાઈ હતી. ૧૫મી જૂનના રોજ ચીનના સૈનિકો ચાર અલગ અલગ પોઇન્ટ પરથી ભારતમાં ઘૂસ્યા હતા. આ ઘટના લાઇન ઓફ એકચ્યુલ કન્ટ્રોલ પાસે બની હતી. આ વખતે ૨૧૫ ચીની સૈનિકોએ ભારતની સીમામાં ઘૂસીને તે વિસ્તાર ચીનનો હોવાનો દાવો કર્યો હતો. નવમી જૂને ત્વાંગ વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરી હતી.

સરહદે શું છે વિવાદ ?

ભારત અને ચીન વચ્ચે ૪,૦૦૦ કિલોમીટરનો વિસ્તાર વિવાદિત છે. જ્યારે ચીનનો દાવો છે કે વિવાદિત વિસ્તાર ફક્ત ૨,૦૦૦ કિલોમીટરનો છે. આમ ચીન બીજા ૨,૦૦૦ કિલોમીટરનો વિસ્તાર પહેલેથી જ તેનો હોવાનો દાવો કરી રહ્યો છે. આનું કારણ એ છે કે પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલો અક્સાઈ ચીનનો વિસ્તાર ચીનને સોંપી દીધો છે.
આ મુદ્દે બંને દેશો વચ્ચે ૧૮ વખત વાટાઘાટો થઈ છે, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. ચીન સાથે છેલ્લાં ૬૪ વર્ષથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઇન્ટરનેશનલ બોર્ડર સ્પષ્ટ નથી. ભારતનો આક્ષેપ છે કે ચીન જાણી જોઈને આ વિવાદનો ઉકેલ લાવવા આંખ આડા કાન કરે છે. ભારત સીમાવિવાદમાં મેકમોહન રેખાને આધાર માને છે જ્યારે ચીન આ લાઈનને સ્વીકારતો નથી.

રાવતે બાદમાં ફેરવી તોળ્યું

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવતે પહેલાં ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં ચીનની ઘૂસણખોરીના અહેવાલોને સમર્થન આપ્યું હતું. જોકે બાદમાં તેણે નિવેદન ફેરવી નાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચીનના સૈનિકોની ઘૂસણખોરીના અહેવાલોની મને ચોક્કસ ખબર નથી, પણ સરહદે ચીન દ્વારા સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરાઈ રહ્યો છે.

૨૦૧૫માં આવી ઘૂસણખોરી કરાઈ હતી

આ અગાઉ ૨૦૧૫માં પણ ચીન દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરાઈ હતી. ૨૭ જૂન, ૨૦૧૫ના રોજ લેહથી ૧૬૮ કિલોમીટર દૂર પૂર્વ લદાખમાં પેન્ગોંગ સરોવરમાં આવી ઘૂસણખોરી કરાઈ હતી. આ સરોવરનો ૪૫ કિલોમીટર વિસ્તાર ભારતીય સરહદમાં છે જ્યારે ૯૦ કિલોમીટર વિસ્તાર ચીનમાં છે. ચીનના સૈનિકો તે વખતે ભારતની સીમામાં આવ્યા હતા ત્યારે ભારતીય સૈનિકોએ તેમને પડકાર્યા હતા. બંને પક્ષો દ્વારા આ વખતે આ વિસ્તાર તેમનો હોવાના દાવા કરાયા હતા. આ પછી ચીનના સૈનિકો પાછા ફરી ગયા હતા.
પેન્ગોંગ સરોવરમાં નોર્થ અને સાઉથ વિસ્તારમાં અગાઉ ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. એપ્રિલમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયા હતા. ચીનની સેનાએ ૨૦૧૪માં ૩૩૪ વખત ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી, જે લદાખની આસપાસ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter