નવી દિલ્હીઃ ભારતીય શેરમાર્કેટમાં લાંબા સમયથી ચાલી રહેલા ફ્રન્ટ રનિંગ કૌભાંડમાં માર્કેટ ઓપરેટર કેતન પારેખની મોટા પાયે સંડોવણી સામે આવી છે. ‘સેબી’ની તપાસમાં જાણવા મળ્યું છે કે પારેખ સિંગાપુરમાં બેસીને વિદેશી ક્લાઇન્ટ્સના સોદાઓ પર ફ્રન્ટ રનિંગ કરતો હતો. ‘સેબી’ અનુસાર પારેખ અને અન્ય લોકોએ ફ્રન્ટ રનિંગ ઉપરાંત અમેરિકન કંપની ટાઇગર ગ્લોબલ દ્વારા પીબી ફિનટેકના શેર્સના વેચાણ પર તેની ખરીદી પણ કરી હતી.
11 નવેમ્બર, 2022ના રોજ બે ફંડ્સે પીબી ફિનટેકના 52.5 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જીઆરડી સિક્યોરિટીઝ, સાલસાર સ્ટોક બ્રોકિંગ અને અનિરુદ્ધ દમાણીએ 20.61 લાખ શેર્સ માટે મોટા ગ્રાહકોના ખરીદ-વેચાણના આધાર પર ટ્રેડિંગ કર્યું હતું.
‘સેબી’એ ફ્રન્ટ રનિંગના પુરાવા મળતાં જ પારેખ પર શેરમાર્કેટમાં કોઇપણ પ્રકારની ભાગીદારી પર પ્રતિબંધ મૂક્યો છે. તે સાથે જ ફ્રન્ટ રનિંગ મારફતે કમાયેલી 65 કરોડ 77 લાખની રકમ પણ જપ્ત કરી છે.
રોહિત સાલગાંવકરે ફ્રન્ટ રનિંગ સ્કીમ બનાવી
‘સેબી’ની તપાસમાં જાણવા મળ્યું હતું કે પારેખ અને રોહિત સાલગાંવકરે જ મુખ્યત્વે ફ્રન્ટ રનિંગ સ્કીમ બનાવી હતી. ક્લાયન્ટના ગોપનીય ટ્રેડ ડેટા પારેખને આપ્યા હતા. આ કૌભાંડમાં 6 અન્ય સંસ્થાઓ પણ સામેલ હતી. તેમણે લીક થયેલી જાણકારીના આધાર પર ટ્રેડિંગ કર્યું હતું. ‘સેબી’ની તપાસમાં નુવામા-મોતીલાલ સહિત અનેક બ્રોકર્સની ઓળખ કરાઇ છે.
ફ્રન્ટ રનિંગ શું હોય છે?
ફ્રન્ટ રનિંગ એક ગેરકાયદે રીત છે. તેમાં સ્ટોક બ્રોકર અથવા બ્રોકિંગ કંપનીઓ મોટા ક્લાયન્ટના ઓર્ડરની જાણકારીનો ફાયદો ઉઠાવે છે. બ્રોકર, એસેટ મેનેજર અથવા અંદરના જ લોકો વ્યક્તિગત ટ્રેડિંગ માટે આ પ્રકારની જાણકારીનો ઉપયોગ કરે છે. એટલે કે, કોઇ બ્રોકરને ખબર છે કે તેમનો જ કોઇ ક્લાઇન્ટ કોઇ વિશેષ શેરમાં મોટી ખરીદી કરવાનો છે, તો તે પહેલાથી જ ઓછી કિંમત પર તે શેરની ખરીદી કરે છે.