હવે કોઇ ‘તું’ કહેનારું નથી એ વાતનો અફસોસ છેઃ નરેન્દ્ર મોદી

Thursday 16th January 2025 01:01 EST
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથેના પહેલા પોડકાસ્ટનો વીડિયો શુક્રવારે જારી થયો છે, જેમાં તેમણે અંગત જીવનથી લઇને રાજનીતિ સાથે જોડાયેલાં પાસાં પર દિલ ખોલીને વાત કરી છે. ચર્ચામાં તેમણે બાળપણના મિત્રોને યાદ કરતા કહ્યું કે મને એ વાતનો અફસોસ છે કે હવે કોઈ ‘તું’ કહેનારું નથી. મોદીએ કહ્યું કે સીએમ (મુખ્યમંત્રી) બન્યા પછીથી મિત્રો મને સન્માનની નજરે જુએ છે. સીએમ બન્યા બાદ મેં મિત્રોને પાર્ટી આપી. જોકે, જ્યારે તેઓ આવ્યા તો હું તેમનામાં ‘મિત્ર’ શોધતો હતો, પરંતુ તે મારામાં ‘સીએમ’ જોતા હતા. આ ખાડો હજુ સુધી નથી પૂરાયો. મને તેનો અફસોસ છે. આ મુલાકાતના અંશોઃ
મારી એક જ વિચારધારાઃ રાજકારણમાં વિચારધારાના મહત્ત્વ સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે મારી એક જ વિચારધારા છે અને તે છે - નેશન ફર્સ્ટ. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ વિચારને અપનાવવા હંમેશા તૈયાર રહે છે, જો તે નેશન ફર્સ્ટની શ્રેણીમાં બંધ બેસતો હોય.
રાજકારણમાં સફળતાનો મંત્રઃ રાજકારણમાં આવવું અને તેમાં સફળ થવું બંને અલગ-અલગ વસ્તુ છે. સફળ થવા સમર્પણ, પ્રતિબદ્ધતા, જનતાનાં સુખ-દુઃખનું સાથી હોવું અને તમારું ટીમ પ્લેયર હોવું જરૂરી છે. જો તમે ખુદને તીસમારખાં સમજીને રાજકારણમાં આવશો તો સફળતાની ગેરન્ટી નથી. રાજકારણમાં મિશન જરૂરી છે, એમ્બિશન નહીં.
સોશિયલ મીડિયા લોકતંત્રની તાકાતઃ સોશિયલ મીડિયાને લઈને વડાપ્રધાને કહ્યું કે તેમણે માહિતીની ખરાઇ ચકાસવાના રસ્તા ખોલ્યા છે. તેમણે કહ્યું, જો તમે થોડું ધ્યાન આપશો તો સચ્ચાઈ ખબર પડી જશે. તે લોકતંત્રને મજબૂત કરી શકે છે.
કમ્ફર્ટ ઝોનની ટેવ ખોટીઃ કમ્ફર્ટ ઝોન પર વાત કરતા કહ્યું કે દરેકે તેમાંથી બહાર નીકળવાની જરૂર છે. મોટા ભાગના લોકો એટલા માટે અસફળ થાય છે કે તે તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળી શકતા. પ્રગતિ કરવા માટે રિસ્ક લેવું જરૂરી છે
મુસીબતને પ્રેમ કરતા શીખી લીધુંઃ વડાપ્રધાને કહ્યું કે મારું જીવન મેં નહીં, પરિસ્થિતિએ બનાવ્યું. મુસીબત મારી યુનિવર્સિટી. તે મને ઘણું બધું શીખવે છે. મેં મુસીબતને પ્રેમ કરતાં શીખી લીધું છે.
એન્ગઝાઈટી અને અસફળતાઃ વડાપ્રધાને કહ્યું કે હું માણસ છું. મને પણ એન્ગઝાઈટી થાય છે, પણ હું તેના વિશે વધુ નથી વિચારતો. કદાચ હું જે પદ પર છું તે તેની પરવાનગી પણ નથી આપતું. અસફળતા પર હું રોકકળ કરનાર વ્યક્તિ નથી.
સ્વયંને ન મળવાની ઊણપઃ આપણે લોકોને તો મળીએ છીએ, પણ સ્વયંને મળવાનું ભૂલી જઈએ છીએ. પહેલાં હું દર વર્ષે 3-4 દિવસ એકાંતમાં જતો રહેતો હતો. હવે આમ થતું નથી તેનો અફસોસ છે.
રાજકારણ ઘણું અલગઃ વડાપ્રધાને કહ્યું કે આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યમશીલતા) રાજકારણથી અલગ છે. આંત્રપ્રિન્યોરની પહેલી ટ્રેનિંગ હોય છે સ્વયંનો વિકાસ એટલે કે આગળ વધવાનું. રાજકારણમાં પહેલી ટ્રેનિંગ હોય છે સ્વયંને ખર્ચી નાખવાની, જે છે એ પણ આપી દેવાની. આંત્રપ્રિન્યોરશિપમાં કંપની અને સ્વયંને નંબર વન બનાવવાની હોડ હોય છે. જ્યારે રાજકારણમાં નેશન ફર્સ્ટ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter