નવી દિલ્હીઃ વિરોધ પક્ષના મોરચા ‘ઇંડિયા’ના સ્થાપક સભ્યોમાંના એક અને વિપક્ષોને એક કરવામાં પાયાની ભૂમિકા ભજવ્યા બાદ તેની સાથે છેડો ફાડીને એનડીએ સાથે જોડાયેલા બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર માને છે કે આજના સમયમાં ભારત માટે નરેન્દ્ર મોદીથી યોગ્ય કોઇ ઉમેદવાર હોય શકે નહીં. ચૂંટણીમાં 12 બેઠક જીતનારી જનતા દળ (યુ)ના વડા નીતીશકુમારે કહ્યું, ‘મોદીજી સત્વરે કામ શરૂ કરે, અમે તેમને સમર્થન આપીએ છીએ.’ તેમણે મોદીને કહ્યું કે ‘હવે જ્યારે તમે આવશો ત્યારે આ વખતે આપણે જોઈએ છીએ કે કેટલાક આજુબાજુવાળા જે જીતી ગયા છે એ બધા હારશે. એ લોકોએ આજ સુધી કોઈ કામ કર્યું નથી. દેશની કોઈ સેવા કરી નથી પરંતુ તમે દેશની એટલી સેવા કરી છે અને તે પછી આવું થયું છે. આ વખતે ફરીથી તક મળી છે પણ ભવિષ્યમાં એમને કોઈ તક નહીં મળે. એ બધા ખતમ થઈ જશે.’