મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી રોકડ નાણું જ રાજા ગણાતું હતું, પરંતુ બદલાયેલા ટ્રેન્ડ પ્રમાણે ઈ-શોપર્સ હવે કાર્ડથી ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ફાઈનાનસિયલ સર્વિસ ફર્મ વિસા દ્વારા ધરાયેલા એક સર્વેમાં આ તારણો જાણવા મળ્યા છે.
આ સર્વેમાં આવરી લેવાયેલા અંદાજે ૭૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે ઈ-શોપિંગ વખતે તેઓ ક્રેડિટ, ડેબિટ કે પ્રિ-પેઈડ કાર્ડ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરે છે જ્યારે માત્ર ૫૧ ટકા લોકોએ કેશ-ઓન-ડિલીવરીના વિકલ્પને બહેતર ગણાવ્યો હતો. ૪૭ ટકા શોપર્સ નેટબેંકિંગને વધુ પ્રાધાન્ય આપે છે. ઓનલાઈન શોપિંગમાં વર્ષ ૨૦૧૪માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ૯૨ ટકા ભારતીયો વર્ચ્યુઅલ સ્ટોર્સ પરથી ખરીદી કરે છે.
આ સર્વેમાં ૮૦૬ ઈન્ટરનેટ શોપર્સને આવરી લેવાયા હતા, જેઓ સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત વેબ એક્સેસ કરે છે અને તેમની વય ૧૮થી ૫૫ વર્ષની વચ્ચે છે. તેમાંથી ૭૫ ટકા લોકો ટાયર-વન અને ટાયર-ટુના સિટીના હતા જ્યારે બાકીના લોકો ટાયર-ટુ ટાઉન સ્તરના હતા. ૨૦૧૩ની તુલનાએ ૨૦૧૪માં ઈન્ટરનેટ પરથી શોપિંગ કરનારાઓની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે. તેમ જ આ વર્ષમાં નેટ પરથી કાર્ડથી પેમેન્ટ કરનારાની સંખ્યા પણ ૩૩ ટકા વધી છે.