નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં પ્રારંભથી જ ઘેરાયેલા વિવાદના વાદળો દિન-પ્રતિદિન વધુ ઘેરા બની રહ્યા છે. સત્રમાં જનહિતના સ્થાને વાદવિવાદે સ્થાન લીધું છે. શુક્રવારે રાજ્યસભામાં રોહિત વેમુલા અને જેએનયુ સહિતના વિવાદિત મામલા પર સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. હૈદરાબાદના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના મુદ્દે બુધવારે ગૃહમાં જુબાની-જંગ છેડનાર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને માયાવતી વચ્ચે શુક્રવારે પણ આરોપ-પ્રત્યારોપનો મારો ચાલ્યો હતો. વેમુલાની આત્મહત્યાના મુદ્દે સ્મૃતિ ઈરાનીના જવાબથી અસંતુષ્ટ બસપા વડા માયાવતીએ કેન્દ્રીય પ્રધાનને લોકસભામાં આપેલા જવાબની વાત યાદ અપાવતાં જણાવ્યું કે, તમે કહ્યું હતું કે વેમુલા પરના મારા જવાબથી તમને સંતોષ ન થાય તો હું મારું ઉતારીને તમારા ચરણોમાં ધરી દઈશ. હું તેમના જવાબથી સંતુષ્ટ નથી. શું સ્મૃતિ ઈરાની તેમનો વાયદો નિભાવશે? હવે સ્મૃતિ મારા ચરણોમાં માથું ઉતારી આપે. વળતા જવાબમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, જો બસપા કાર્યકર્તાઓમાં હિંમત હોય તો મારું શિર કાપીને લઈ જઈ શકે છે.
બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીએ રાજ્યસભામાં સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકાર રોહિત વેમુલાને આત્મહત્યાની ફરજ પાડનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલાં લોકોને રક્ષણ આપી રહી છે. સરકારે તપાસ સમિતિમાં કોઈ દલિત સભ્ય નિયુક્ત કર્યો નથી. તેમજ રોહિતનાં મોત માટે જવાબદાર લોકોને બચાવવા માટે તપાસનું નાટક થઈ રહ્યું છે.
રાજ્યસભામાં રોહિત વેમુલા પરની ચર્ચામાં ભાગ લેતાં ડાબેરી નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ એક બાળકને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. રોહિતે આત્મહત્યા નથી કરી, પરંતુ આડકતરી રીતે તેની હત્યા કરાઈ છે.
યેચુરીના આ આક્ષેપના જવાબમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ એવી ટીપ્પણી કરી હતી કે યેચુરીના તમામ શબ્દોને ગૃહના રેકોર્ડ પર લેવા જોઇએ કે જેથી લોકોને જાણ થાય કે એક જવાબદાર નેતા કેવા પ્રકારનું નિવેદન કરી રહ્યા છે.
સ્મૃતિએ મારી માફી માગીઃ માયાવતી
માયાવતીએ જણાવ્યું કે, સંસદની લોબીમાં સ્મૃતિ ઈરાનીએ મારી પાસે આવીને જણાવ્યું હતું કે, ૨૪મી ફેબ્રુઆરીના રોજ વિરોધ પક્ષના સાંસદો પ્રત્યેનો મારો વ્યવહાર સારો નહોતો. હું તમારી માફી માગું છું. મેં વડીલ હોવાનાં નાતે સ્મૃતિને માફ કરી દીધાં હતાં, પરંતુ હવે આવી ભૂલ માટે હું અને મારી પાર્ટી તેમને માફ કરીશું નહીં.
માયાવતીએ હાથ જોડયા હતા: સ્મૃતિ
માયાવતી પર પ્રહાર કરતાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, લોબીમાં જે કાંઈ થયું તે જાહેર કરીશ તો માયાવતીને ઉત્તર પ્રદેશમાં ઘણી તકલીફ થશે. માયાવતીએ મારી સામે હાથ જોડીને કહ્યું હતું કે તમે લોકસભામાં કહ્યું તેની જાણ મને પહેલાં કરી હોત તો મેં રાજ્યસભામાં તમારા પર આક્રમણ કર્યું ન હોત. તમારી સામે નારાબાજી ન થવા દેત નહીં.
દુર્ગા-મહિષાસુર મામલે સ્મૃતિ ફસાયા
જેએનયુમાં મહિષાસુર ઈવેન્ટના વિદ્યાર્થી આયોજક અનિલ કુમારે આક્ષેપ કર્યો હતો કે સ્મૃતિએ સંસદમાં તેમને ટાંકીને જે ચોપાનિયું વાંચ્યું છે એ તેમણે લખ્યું જ નથી. આ નકલી દસ્તાવેજ છે અને પ્રધાન જુઠ્ઠું બોલી રહ્યા છે. બીજી તરફ ભાજપના સાંસદ ઉદિત રાજ પણ મહિષાસુર ઈવેન્ટમાં ૨૦૧૩માં હાજર રહ્યા હોવાના ફોટોથી વિવાદ થયો છે. પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કબૂલ્યું કે એ સરકારી દસ્તાવેજ ન હતા, પણ પુરાવા આપવા કહેવાયું એટલે મેં તેં વાંચ્યું. હું દુર્ગાભક્ત છું અને વિપક્ષ વાણીસ્વાતંત્રતાના નામે આદરની જે વાતો કરે છે તે હું ખૂબ જ પીડા સાથે કહી રહી છું.