નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના હંદવાડાના કલામાબાદમાંથી જીવતા ઝડપાયેલા લશ્કર-એ-તોઈબાના પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેણે સ્વીકાર્યું છે કે તે લશ્કર-એ-તોઈબાનો આતંકવાદી છે. સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન ૨૫ જુલાઇએ તે ઝડપાઇ ગયો હતો. બહાદુર અલીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તે લાહોરમાં રાયવિન્ડા જહામા ગામનો રહેવાસી છે. સુરક્ષા દળોએ ૨૨ વર્ષના આ આતંકી પાસેથી ત્રણ એકે-૪૭ રાયફલ, બે પિસ્તોલ અને ૨૩ હજાર રૂપિયાની ભારતીય ચલણી નોટો કબજે કરી છે.
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલના નેતૃત્વમાં એનઆઇએ અધિકારીઓની ટીમ આ ૨૨ વર્ષીય આતંકીને હંદવાડાની કોર્ટમાંથી દિલ્હી લાવી હતી. દિલ્હીમાં તેની પૂછપરછ અને કેટલાક વૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવશે. એનઆઇએની ટીમે કોર્ટમાં સૈફુલ્લાના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે આતંકી બહાદુર અલીની કબૂલાત પછી જમ્મુ-કાશ્મીર સહિત ભારતના અન્ય વિસ્તારોમાં આતંકવાદી ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો હાથ છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. હવે તો પકડાયેલા આતંકીઓ પોતે જ કહી દેતા હોય છે કે તેમને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ મોકલ્યા છે. ફક્ત ચોથા ધોરણ સુધી ભણેલા બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લા એક મહિના પહેલા પાકિસ્તાનમાંથી જમ્મુ-કાશ્મીર ઘૂસ્યો હતો. તેની સાથે અન્ય બે આતંકીઓ પણ આવ્યા હતા, પણ તેઓ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર સમયે સૈફુલ્લા ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
બદાહુર અલીએ લશ્કર-એ-તોઈબાના દૌરા-એ-આમમાં ૨૧ દિવસોની તાલીમ લીધી હતી. પાકિસ્તાનસ્થિત લશ્કર કમાન્ડર સાજિદ જાટ તેની મદદ કરી રહ્યો હતો. બહાદુર અલી કાશ્મીર હિંસાનો ફાયદો ઉઠાવવા માગતો હતો. સાજિદ જાટ અગાઉ પણ કાશ્મીરમાં હાજરી ધરાવતા લશ્કરના આતંકી અબુ દુજાના અને અબુ તલ્હાના સંપર્કમાં હતા અને કાશ્મીરમાં આતંક ફેલાવવાનો આદેશ આપતો રહેતો હતો.
ગુપ્તચર એજન્સીની પાસે સાજિદ જાટ અબુ દુજાના અને અબુ તલ્હાની વચ્ચે જે ઇ-મેઇલથી વાતચીત થઇ હતી તે ઇ-મેઇલના આઇડી અને આઇપી એડ્રેસ પણ ઉપલબ્ધ છે. સૈફુલ્લાને તાલીમ દરમિયાન નકશા વાંચન અને જીપીએસ ડિવાઇસ ચલાવતા શીખવાડવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન રિજિજુએ સૈફુલ્લાની ધરપકડને મોટી સિદ્ધિ ગણાવી હતી.