નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવનારા પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાયા બાદ ભાજપને નવા કિંગમેકર મળી ગયા છે. આસામમાં મળેલી જીતમાં ચૂંટણી વ્યૂહરચનાકાર રજત શેઠીની મહત્ત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. એક સમયે તેઓ પ્રશાંત કિશોરની ટીમમાં કામ કરતા હતા. હાર્વર્ડ ગ્રેજ્યુએટ રજત શેઠીએ ગયા વર્ષે નવેમ્બરમાં આસામ માટે કેમ્પેઇન શરૂ કર્યું હતું.
રજત કહે છે, ‘અમારી સ્ટ્રેટેજી હતી રોજ કંઈ નવું કરતા કોંગ્રેસ કે તેના લીડરને સીધા જ નિશાન બનાવવા, જેથી કોંગ્રેસ બેકફૂટ પર રહીને માત્ર જવાબ જ આપી શકે. તેનો ફાયદો અમને આ રીતે મળ્યો કે કોંગ્રેસનું કેમ્પેઇન આચારસંહિતા લાગુ થવાના એક મહિના પહેલાં જ શરૂ થઈ શક્યું હતું.’
રજત ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે. તેમણે આઈઆઈટી-ખડગપુરથી અભ્યાસ કર્યો છે. પછી હાર્વર્ડ યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ૨૦૧૨માં રજત હાર્વર્ડ ઇન્ડિયા એસોસિએશન માટે ઇવેન્ટ્સ યોજતા હતા. એક વાર ભાજપ નેતા રામ માધવ ત્યાં ગયા તો તેઓ તેમના સંપર્કમાં આવ્યા. માધવના કહેવાથી રજત ભારત ફર્યા હતા અને ભાજપ સાથે જોડાઈ ગયા.
આગવી વ્યૂહરચના
ટીમનાં સિનિયર સભ્ય શુબ્રાસ્થા શિખાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક વખત પોતાના ભાષણમાં ગરીબોને બે રૂપિયામાં એક કિલો ચોખા આપવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્કીમની ખૂબ જ અપીલ રહી હતી. આ તમામ વસ્તુ અમારી ટીમે ડ્રાફ્ટ કરી હતી. અમે ૧૭૫ કરતાં પણ વધુ આરટીઆઈ અરજી કરીને ગોગોઈની વિરુદ્ધના માહોલનો લાભ ઉઠાવ્યો.
ટીમના અન્ય એક સભ્ય આશિષ મિશ્રાએ જણાવ્યું હતું કે અમે રોજ ૨૦ કલાક કામ કરીને ડેટા મેળવ્યો હતો. સૌથી ખાસ વાત એ હતી કે ચૂંટણી અભિયાનમાં ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર સર્વાનંદ સોનોવાલનાં પોસ્ટર સાથે કોંગ્રેસના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈના ફોટોના બદલે કોઈ નાના કે જુનિયર નેતાનો ફોટો લગાવવામાં આવતો હતો. તેના પાછળની વ્યૂહરચના એ હતી કે આખા અભિયાનમાં ગોગોઈને બિલ્કુલ મહત્ત્વ જ ન મળે અને લોકોની વચ્ચે તેમની રિકોલ વેલ્યૂ ઓછી રહે.