મુંબઇઃ હિન્ડેનબર્ગે 24 જાન્યુઆરીના રોજ ‘અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મેન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઇન કોર્પોરેટ હિસ્ટ્રી’ શીર્ષક હેઠળ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ પછી બન્ને પક્ષે સામસામા નિવેદન શરૂ થઇ ગયા છે. હિન્ડેનબર્ગ પોતાના દાવાને સોળ આની સાચો ગણાવે છે તો અદાણી ગ્રૂપ રિપોર્ટને પાયાવિહોણો ગણાવે છે.
બન્ને પક્ષકારોમાંથી કોનો દાવો સાચો એ તો સમય જ કહેશે, પણ આ રિપોર્ટ જાહેર કરવાની તારીખ મહત્ત્વની છે કારણ કે તેના બે દિવસ પછી એટલે કે 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની શેરબજારમાં સેકન્ડરી શેર ઇશ્યુ કરવાની હતી. આ કોઈ નાનોસૂનો ઇશ્યુ નહોતો, પરંતુ વધારાની મૂડી ઉભી કરવાના લક્ષ્ય સાથે હાથ ધરાયેલો રૂ. 20 હજાર કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હતો. આ એફપીઓ ભરાઇ તો ગયો છે, પણ તેને અપેક્ષા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે.
આમ થવાનું કારણ હિન્ડેનબર્ગના રિપોર્ટમાં સામેલ 88 પ્રશ્નો છે, જે તેમણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી જૂથને પૂછ્યા છે. આમાં ઘણા પ્રશ્નો ખૂબ ગંભીર છે અને સીધા અદાણી ગ્રૂપના કોર્પોરેટ ગવર્નન્સને નિશાન બનાવે છે.
અદાણી સામે હિન્ડેનબર્ગના આક્ષેપ
વિગતવાર રિપોર્ટના અંતે હિન્ડેનબર્ગ દ્વારા કુલ 88 સવાલો અદાણી જૂથ સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ સવાલોના જવાબ માંગવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ગ્રૂપમાં 38 એવી કંપનીઓ છે જે માત્ર કાગળ ઉપર છે કે શેલ કંપનીઓ છે. આ કંપનીઓની માલિકી ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી કે તેના સહયોગી પાસે છે. રિપોર્ટમાં એવો પણ આક્ષેપ થયો છે કે અદાણી જૂથની કંપનીઓ અને તેના શેરહોલ્ડિંગ થકી કરદાતાઓની 17 બિલિયન ડોલર જેટલી રકમનો ગેરઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો થયો છે કે આ અંગે ચાર જેટલી સરકારી એજન્સીએ અગાઉ પણ તપાસ ચલાવી હતી. અદાણીની લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય તેના ફંડામેન્ટલ મૂલ્ય કરતાં 85 ટકા જેટલું ઓછું હોવું જોઈએ એવું હિન્ડેનબર્ગનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે.
દાવા ગેરમાર્ગે દોરનારા, આક્ષેપો ભારત પર હુમલોઃ અદાણી
હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિરુદ્ધના નેગેટિવ રિપોર્ટને કારણે માર્કેટમાં મોટી ઊથલપાથલ મચી હતી. આ રિપોર્ટમાં હિન્ડેનબર્ગ દ્વારા અદાણી જૂથ સામે 88 સવાલ કરવામાં આવ્યા હતા. રવિવારે અદાણી જૂથે આ 88 સવાલોના તથ્યો સહિત જવાબ આપ્યા હતા.
સાથે જ અદાણી જૂથે હિન્ડેનબર્ગના દાવાને ગેરમાર્ગે દોરનારા તથા તથ્યો પર ચેડાં આધારિત ગણાવ્યા હતા. અદાણી જારી કરવામાં આવેલા જવાબમાં જણાવાયું હતું કે આ રિપોર્ટ માત્ર એક કંપની વિરુદ્ધ નહીં પણ ભારતની સ્વતંત્રતા, ઐક્ય અને ભારતીય સંસ્થાઓની ગુણવત્તા સામે કરવામાં આવેલો ગણતરીપૂર્વકનો હુમલો છે. અદાણી જૂથે વળતો આક્ષેપ કરતા કહ્યું હતું કે હિન્ડેનબર્ગ અનૈતિક શોર્ટ સેલિંગ કરે છે. પોતાની વેબસાઇટ પ૨ હિન્ડેનબર્ગ દાયકાઓનો અનુભવ હોવાનો દાવો કરે છે પણ ખરેખર તો તેની સ્થાપના 2017માં થઈ હતી. એટલું જ નહીં શોર્ટ સેલિંગ અંગે હિન્ડેનબર્ગે શોર્ટ સેલિંગ અંગે પોતાની સ્થિતિને યોજનાબદ્ધ રીતે છુપાવી છે.
108 પેજનો રિપોર્ટ સામે 413 પેજનો જવાબ
અદાણી જૂથ કહ્યું હતું કે જે 88 સવાલો કરવામાં આવ્યા છે એમાંથી 65 સવાલ એવા છે જે અંગે તમામ વિગતો અદાણી પોર્ટફોલિયો કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી છે. જ્યારે 23 સવાલોમાંથી 18 એવા સવાલ છે જેનો સંબંધ અદાણી જૂથની કંપનીઓ સાથે નથી. તે પબ્લિક શેરહોલ્ડર્સ અને થર્ટ પાર્ટી અંગેના છે. અદાણી જૂથે હિન્ડેનબર્ગના આક્ષેપો અંગે 413 પેજનો જવાબ આપ્યો હતો. જેમાં એજન્સીના આક્ષેપો ભારત પરનો હુમલો ગણાવ્યો હતો તથા તમામ આક્ષેપો સંદતર ખોટા ગણાવ્યા હતા.
હિન્ડેનબર્ગનો વળતો પ્રહારઃ છેતરપિંડી છુપાશે નહીં
અદાણી જૂથના સંદર્ભમાં હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ શેરબજારમાં ભૂકંપ અટકવાનું નામ લેતો નથી. રિપોર્ટના પગલે અદાણી જૂથના લિસ્ટેડ શેર્સની કિંમતમાં 20-25 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. જોકે અદાણી જૂથે આ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ તેના જવાબમાં 413 પેજની પ્રતિક્રિયા આપી હતી. જોકે અદાણી જૂથના જવાબ બાદ હવે હિન્ડનબર્ગે ફરી પ્રહાર કર્યો છે. હિન્ડેનબર્ગનું કહેવું છે કે અદાણી જૂથે જેટલા સવાલોના જવાબ આપ્યા છે તે મોટાપાયે નિષ્કર્ષોની પુષ્ટિ કરતા નથી. તેમાં સવાલોથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદની આડમાં છેતરપિંડીથી બચી શકાય નહીં. અદાણી જૂથે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે ભારત દેશ, તેની સંસ્થાઓ અને વિકાસની કથા પર એક સમજી વિચારીને કરાયેલો હુમલો છે. આ સાથે જ હિન્ડેનબર્ગ રિસર્ચે પડકાર ફેંક્યો છે કે અદાણી ગ્રૂપ તેની સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરી શકે છે.
ભારત નિઃશંકપણે જીવંત લોકશાહી: હિન્ડેનબર્ગ
હિન્ડેનબર્ગે જણાવ્યું હતું કે તે માને છે કે ભારત એક જીવંત લોકશાહી છે અને રોમાંચક ભવિષ્ય સાથે ઊભરતી મહાશક્તિ છે, પણ આ અદાણી જૂથ છે જે તેની વિકાસની ગાથાને બાધિત કરી રહ્યું છે. હિન્ડેનબર્ગે અદાણી જૂથના એ આરોપને ફગાવી દીધો હતો કે તેનો રિપોર્ટ ભારત પર હુમલો છે. છેતરપિંડીને રાષ્ટ્રવાદ અથવા તેનાથી લપેટાયેલી પ્રતિક્રિયાથી પ્રભાવિત કરી શકાય નહીં. અદાણી જૂથના જવાબમાં આરોપને નજરઅંદાજ કરાયા છે.
અદાણીનો આરોપઃ ખોટી માહિતીનો ઉપયોગ કર્યો
અગાઉ અદાણી જૂથે જણાવ્યું હતું કે ચિંતાનો વિષય છે કે કોઇ વિશ્વસનિયતા કે નૈતિકતા વગર જ હજારો માઇલ દૂર બેઠેલી સંસ્થા આપણા રોકાણકારો પર ગંભીર અને પ્રતિકૂળ અસર પાડી રહી છે. દેશના સૌથી મોટા એફપીઓની જાહેરાત થઇ છે તેવા સમયે જ આ રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં કોઇ યોગ્ય સંશોધન કરાયું નથી. હિન્ડનબર્ગે ખોટી માહિતીનો ઉપયોગ કર્યો છે.