ગુવાહાટીઃ ઉત્તરપૂર્વ ભારતનાં સૌથી મહત્ત્વના ગણાતા રાજ્ય આસામમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામના તિનસુકિયામાં રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી માર્ચે જણાવ્યું હતું કે, હું ચાવાળો હતો તે દિવસોમાં ચા આસામથી આવતી હતી. ચાવાળા તરીકે હું લોકોને આસામ-ટી ઉકાળી ઉકાળીને પીવડાવતો હતો જે લોકોને નવી તાજગી આપતી હતી. તેથી આ રાજ્યનું મારા માથે ઋણ છે. જેને ઉતારવા માગું છું. આસામ સાથે હું વિશેષ બંધનથી બંધાયેલો છું.
રેલીમાં વડા પ્રધાને ગરીબી, ભ્રષ્ટાચાર અને વિકાસ જેવા મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું, પરંતુ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે સૌથી મોટા ચૂંટણી મુદ્દા એવા ગેરકાયદે વસાહતીઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. મોદીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશનાં પાંચ સૌથી સમૃદ્ધ રાજ્યોમાં આસામની ગણના થતી હતી, પરંતુ હવે તે દેશના સૌથી ઓછા વિકસિત પાંચ રાજ્યોમાં પહોંચી ગયું છે, તેના માટે કોંગ્રેસની સરકારો જવાબદાર છે. મોદીએ મતદારોને કહ્યું હતું કે, તમે મને પાંચ વર્ષ આપો. સીએમપદના ઉમેદવાર સર્વાનંદ અને ભાજપને પાંચ વર્ષ આપો. ભાજપ આસામને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. ઉલ્લેખનીય છે કે, આસામમાં ૪ એપ્રિલ અને ૧૧ એપ્રિલના રોજ બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ૧૨૬ બેઠકો માટે ધારાસભ્યો ચૂંટી કાઢવા રાજ્યના ૧.૯૮ કરોડ મતદારો મતદાન કરશે.
ગોગોઈ સામે નહીં, ગરીબી-ભ્રષ્ટાચાર સામે લડાઈ: મોદી
મોદીએ જણાવ્યું હતું કે, મારી લડાઈ આસામના સીએમ તરુણ ગોગોઈ સામે નથી પરંતુ ગરીબી, ભ્રષ્ટાચાર અને કોંગ્રેસે વેરેલા વિનાશ સામે છે. મારા ત્રણ એજન્ડા છે. વિકાસ, ઝડપી વિકાસ અને ચોતરફી વિકાસ. મારી સરકારે અગાઉની કેન્દ્ર સરકારો કરતાં વિકાસ માટે અનેક ગણું ભંડોળ ફાળવ્યું છે.
તમે મારા વડીલ છો, આશીર્વાદ આપો: મોદી
૭૯ વર્ષીય ગોગોઈએ અગાઉ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી મારી અને મોદી વચ્ચેની સીધી લડાઈ છે. એનો જવાબ વાળતાં મોદીએ રેલીમાં કહ્યું હતું કે, ગોગોઈ વડીલ નેતા છે અને હું તેમને માનનીય ગણું છું. ગોગોઈ તમે મારા વડીલ છો અને હું યુવાન છું. આપણી સંસ્કૃતિમાં યુવાનો વડીલો સાથે લડતા નથી, પરંતુ આશીર્વાદ લે છે. તમે પણ આશીર્વાદ આપો અને અમે સર્વાનંદને આસામના મુખ્ય પ્રધાન બનાવીશું
તિનસુકિયાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર છે. સર્વાનંદની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે, જો તમે ભાજપને મત આપશો તો હું તમને સર્વાનંદ નામનું રત્ન પરત કરી દઈશ. સર્વાનંદ મારા શ્રેષ્ઠ પ્રધાનો પૈકીના એક છે, જો તેઓ સીએમ બનશે તો કેન્દ્ર સરકારને અને મને વ્યક્તિગત નુકસાન થશે. આસામમાં એક જ આનંદ છે અને તે છે સર્વાનંદ. અમે સર્વાનંદને આસામના મુખ્ય પ્રધાન બનાવીશું.