નવી દિલ્હીઃ ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તાજેતરમાં એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ગૌમાંસ ખાનારાં લોકોએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.’ તેમના સાથી પ્રધાનનાં નિવેદનનો વિરોધ કરતાં ભાજપના જ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુએ ૨૭ મેએ એક નિવેદન આપતાં ભાજપમાં વિવાદ સર્જાવાની સંભાવના ઊભી થઇ છે. રિજીજુએ મિઝોરમનાં પાટનગર ઐઝવાલની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ‘હું ગૌમાંસ ખાઉં છું, હું અરુણાચલ પ્રદેશનો વતની છું, શું કોઈ મને આમ કરતાં અટકાવી શકશે? તમે કોઈને તેમ કરતાં અટકાવી શકો નહીં. આ એક લોકશાહી દેશ છે.'
રિજીજુએ વધુ જણાવ્યું કે, ‘જો મિઝોરમનો કોઈ ખ્રિસ્તી એમ કહે કે, આ પ્રભુ ઈસુની ધરતી છે તો તેનાથી પંજાબ કે હરિયાણામાં કોઈને આપત્તિ ન હોવી જોઈએ. આપણે દરેક જગ્યાનાં લોકોની લાગણીઓનું સન્માન કરવું જોઈએ.’ તેમણે હિન્દુ બહુમતીવાળાં રાજ્યોનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ‘મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં હિન્દુ રાજ્યોમાં ત્યાંની સરકાર તેમના હિસાબે કાયદો ઘડે તો તેમ કરવાનો તેમને હક છે, પરંતુ અમારા ક્ષેત્રમાં અમારાં લોકોની લાગણીનું ધ્યાન રાખવું જોઈએ. આ દેશમાં ઘણા ધર્મ અને મત છે આપણે દરેકનું સન્માન કરવું જોઈએ.’