નવી દિલ્હીઃ હું ભારતીય છું અને મારા દેશના સંવિધાન તથા ન્યાયતંત્રમાં મને પૂરો ભરોસો છે. મારા પર મૂકાયેલા આરોપો સાચા હોવાનું સાબિત કરતો પુરાવો હોય તો રજૂ કરો, હું જેલમાં જવા પણ તૈયાર છું. આ શબ્દો છે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ યોજીને ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા કન્હૈયા કુમારના. ડાબેરી પક્ષ સીપીઆઇ (એમ)ના સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ કન્હૈયા કુમારની પોલીસે ધરપકડ કરી છે. બુધવારે કોર્ટમાં હાજર કરાયેલા કન્હૈયા કુમારે ખુલ્લા મને પોતાની વાત જજ સમક્ષ મુકતા આ લાગણી વ્યક્ત કરી હતી.
કન્હૈયા કુમારે ભરચક્ક કોર્ટમાં જણાવ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું છે અને આજે પણ કહુ છું, હું એક ભારતીય છું અને મને મારા દેશના સંવિધાન અને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે. મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે સાચા હોવાનું સાબિત કરતો જો કોઇ પુરાવો હોય તો તે રજુ કરો, હું જેલ જવા માટે તૈયાર છું. તેણે જણાવ્યું હતું કે મારી વિરુદ્ધ જે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે તેનાથી મને બહુ જ દુઃખ થયું. હું દેશવિરોધી છું તેવા જો કોઇ પણ પુરાવા હોય તો રજુ કરો, પણ જો કોઇ પુરાવા ન હોય તો આવી મીડિયા ટ્રાયલ મારી વિરુદ્ધ ન ચાલવી જોઇએ.
તેણે કહ્યું હતું કે પોલીસે મારી ધરપકડ કરી છે, મને પોલીસ વિરુદ્ધ કોઇ જ પ્રકારની ફરિયાદ નથી, જ્યારે કોર્ટમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે મારા પર કેટલાક વકીલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પણ પોલીસે મને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. જોકે તેમ છતા કેટલાક લોકોએ મને માર માર્યો હતો.
જેએનયુ ઘટના દુર્ભાગ્યપૂર્ણઃ સાથીઓને પત્ર
કન્હૈયા કુમારે તેના સાથીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેએનયુ ખાતેની ૯ ફેબ્રુઆરીની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. હું તેની નિંદા કરું છું. જેએનયુમાં કેટલાક સ્થાનિક અને કેટલાક બહારના વિદ્યાર્થીઓ દેશવિરોધી નારા લગાવી રહ્યા હતા. હું આ પ્રકારના નારાનું સમર્થન કરતો નથી. હું ભારતનાં બંધારણમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું.