હું હિન્દુઓને મારવા આવ્યો હતોઃ ઉધમપુરમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો

Thursday 06th August 2015 04:05 EDT
 
 

શ્રીનગર, નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને ઇજા પહોંચી હતી. જોકે બીએસએફના કાફલાએ આપેલા વળતા જવાબમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે હુમલા બાદ નાસી છૂટેલા એક આતંકવાદીને સુરક્ષા દળોએ ગ્રામજનોની મદદથી જીવતો ઝડપી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનની નાપાક કરતૂત વધુ એક વખત ખુલ્લી પડી છે. આ બન્ને આતંકવાદી ઉગ્રવાદી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.

૨૦૦૮ના મુંબઇ હુમલામાં આતંકી અજમલ કસાબ જીવતો ઝડપાઇ ગયા બાદ બીજી વાર પાકિસ્તાની આતંકવાદી હુમલા દરમિયાન જીવતો ઝડપાયો છે. જમ્મુ-કાશ્મીરના ઇન્સપેક્ટર જનરલ દાનિશ રાણાએ જણાવ્યું હતું કે આતંકવાદી જીવતો ઝડપાયો છે તે પોલીસની મોટી સફળતા છે.
પંજાબના ગુરદાસપુરમાં થયેલા આતંકવાદી હુમલાના નવ દિવસ બાદ બુધવારે સવારે ૭:૩૦ કલાકે જમ્મુ-કાશ્મીરના નેશનલ હાઇવે પર ઉધમપુરથી ૧૦ કિલોમીટર દૂર નરસુ વિસ્તારમાંથી પસાર થતાં બીએસએફના કાફલા પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બે જવાન શહીદ થયા હતા અને ૧૦ જવાનોને ઈજા પહોંચી હતી. બીએસએફના જવાનોએ વળતો જવાબ આપતાં પાંચ કલાક લાંબી ચાલેલી અથડામણમાં એક આતંકવાદી તો માર્યો ગયો હતો. જ્યારે બીજો હુમલાના સ્થળેથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
પાકિસ્તાની આતંકવાદી કાસિમ ઉર્ફે ઉસ્માન ઉર્ફે મોહમ્મદ નાવેદે નજીકનાં ગામમાં ઘુસી જઇને એક સ્કૂલમાં પાંચ લોકોને બંદી બનાવી લીધાં હતાં. જોકે આ બંધકોમાંના બે ગ્રામ સુરક્ષા સમિતિના સભ્યો એવા વિક્રમજીત સિંહ અને રાકેશ કુમારે આતંકવાદીને દબોચી લઈ સુરક્ષા દળોને હવાલે કર્યો હતો.

‘હું હિન્દુઓને મારવા આવ્યો હતો’
જીવતો ઝડપાયેલો આતંકવાદી ૨૦ વર્ષીય ઉસ્માન પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી છે. તે હિન્દી, ઉર્દૂ અને પંજાબીમાં વાત કરી શકે છે. તેણે જણાવ્યું હતું કે, ‘મને હત્યા કરવાની મજા આવે છે. હું નોમાન મોમિન ખાન  (પાકિસ્તાનના બહાવલપુરના રહેવાસી) નામના બીજા એક આતંકી સાથે ૧૨ દિવસ પહેલાં કાશ્મીર સરહદ ઓળંગીને જમ્મુમાં પ્રવેશ્યો હતો, હા, હું હિંદુઓને મારવા આવ્યો હતો. હું પાકિસ્તાનથી આવ્યો છું અને મારો સાથી અથડામણમાં માર્યો ગયો છે. કદાચ અલ્લાહની મરજી એવી હશે. મને આતંકી હુમલા કરવામાં મઝા આવે છે. અલ્લાહના કરમથી હું મરી ગયો હોત તો સારું.’
જોકે ઉસ્માને હજુ સુધી કોઇ સંગઠનનું નામ આપ્યું નથી. નાવેદ વારંવાર પોતાનું નામ બદલતો રહે હતો અને પોતાની ઉંમર પણ તેણે પહેલાં ૨૦ વર્ષ કહ્યા બાદ એમ કહ્યું હતું કે તે ૧૬ વર્ષનો જ છે. નોંધનીય છે કે લશ્કર-એ-તૈઇબા સહિતના ત્રાસવાદી સંગઠનો નાવેદ જેવા ગુમરાહ યુવાનોને ઘૂસણખોરી કરાવતા પહેલાં એવી સૂચના આપતા હોય છે કે તેઓ પકડાઈ જાય તો તેમણે પોતાની વય ૧૮ વર્ષથી ઓછી કહેવી, જેથી તેમની સામે જુવેનાઈલના કાયદા હેઠળ જ કાર્યવાહી થાય.
કઇ રીતે ઝડપાયો આતંકવાદી?
બીએસએફની બસ પર હુમલા બાદ ઉસ્માને પાંચ ગ્રામીણોને બંધક બનાવ્યાં હતાં. ઉસ્માને તમામ બંધકોને એક ટાવર સાથે બાંધી દીધાં હતાં. આ દરમિયાન પોતાનો સાથી માર્યો ગયો હોવાની જાણ થતાં ઉસ્માન ગભરાયો હતો. આ સમયગાળામાં ત્રણ બંધકો યેનકેન પ્રકારે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઉસ્માનને સુરક્ષિત રીતે નાસી જવું હતું, પણ રસ્તો ખબર નહોતી. આથી તેના કબ્જામાં રહેલા બન્ને બંધકોને ખાતરી આપી હતી કે જો મને નાસી છુટવા માટે સલામત માર્ગ બતાવશો તો હું તમને બન્ને કોઇ ઇજા કર્યા વગર છોડી દઇશ.
ઉસ્માન બન્ને બંધકો વિક્રમજીત સિંહ અને રાકેશ કુમારને બંદૂકની અણીએ જંગલ તરફ લઇ ગયો હતો. લગભગ પાંચ કિલોમીટર પગપાળા ચાલ્યા હતા. આ દરમિયાન ઉસ્માનને ભૂખ લાગતાં બન્ને બંધકોએ તેને ભોજન પણ કરાવ્યું હતું. તેઓ જંગલમાં આગળ વધી રહ્યા હતા ત્યારે મોકો મળતાં જ વિક્રમજીત અને રાકેશ કુમારે અદમ્ય સાહસ દાખવીને ઉસ્માનની એકે-૪૭ છીનવીને દબોચી લીધો હતો.

અમરનાથ યાત્રાળુઓ નિશાન હતા?
આતંકી ઉસ્માને એવી કબૂલાત કરી હોવાનું મનાય છે કે, તે અમરનાથ યાત્રા પર હુમલો કરવા ઉધમપુર પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓનાં નિશાન પર અમરનાથના યાત્રિકો હતાં. બીએસએફના કાફલા પાછળ અમરનાથયાત્રીઓનો એક જથ્થો રવાના થવાનો હતો. હુમલો થતાં જ ભગવતીનગરથી નીકળેલા જથ્થાને ઉધમપુરમાં અટકાવી દેવાયો હતો.

વડા પ્રધાન કાર્યાલમાં રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે હું આતંકી હુમલાને વખોડી કાઢું છું. હુમલામાં શહીદ થયેલા બે જવાનોના પરિવારજનો અને ઇજાગ્રસ્ત થયેલા જવાનોને ટૂંક સમયમાં વળતર અપાશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઇદે હુમલાને વખોડી કાઢી ઇજાગ્રસ્ત જવાનોને ઝડપી સાજા થવાની દુઆ કરી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ઉધમપુરમાં બીએસએફ પર હુમલો ચિંતાજનક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter