મુંબઈઃ હિન્દી ફિલ્મજગતની સેલિબ્રિટી અને હાર્ટ થ્રોબ હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતો વિવાદ વકર્યો છે, જેમાં દિન-પ્રતિદિન નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે કંગના દ્વારા કથિત રીતે હૃતિકને લખાયેલાં કેટલાંક ઈ-મેલ્સ જાહેર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. કેટલાક દિવસો પહેલાં હૃતિકે આ ઈ-મેલની કોપી પુરાવા તરીકે મુંબઇ પોલીસની સાઈબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિવિઝનને સોંપીને એવી ફરિયાદ કરી હતી કે કંગના તેને માનસિક ત્રાસ આપી રહી છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ છેલ્લાં છ મહિનાના સમયગાળામાં કરેલાં ઈ-મેલ પૈકી અમુક ઈ-મેલ જાહેર થયાં છે. જેના પરથી જાણવા મળે છે કે કંગના દર ૬ મિનિટે હૃતિકને એક ઈ-મેલ કરતી હતી. હૃતિકના વકીલે દીપેશ મહેતાએ ૪૦ ઈ-મેલ વધારાના પુરાવા તરીકે સાઈબર ક્રાઈમ ડિવિઝનને સોંપ્યાં છે. વકીલનો દાવો છે કે તમામ ઈ-મેલ કંગનાએ હૃતિકને તેના ઓરિજિનલ ઈ-મેલ આઈડી પર ૨૪ મે, ૨૦૧૪ બાદ મોકલ્યાં હતાં. અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જે ઇ-મેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની ફોરેન્સિક તપાસ પણ થઈ ગઈ છે. પાંચમી મેથી ૨૫મી મે, ૨૦૧૪ દરમિયાન કંગનાની બહેન રંગોલી અને હૃતિક વચ્ચે થયેલાં ઈ-મેલ્સના અંશો અહીં રજૂ કર્યા છે.
હું ટીનેજર જેવી લાગણી અનુભવું છું...
કંગના તેના દિવસની શરૂઆત કેવી રીતે કરે છે એ અંગેના કથિત રીતે એક ઈ-મેલમાં લખ્યું હતું કે, 'હું સવારમાં ઊઠીને તારા વિશેના સમાચાર માટે ગૂગલ પર સર્ચ કરું છું, તારા નવા ઇન્ટરવ્યુ અને ફોટા શોધીને મારા દિવસની શરૂઆત કરું છું.'
હૃતિકને પહેલી વખત મળ્યા પછીના અહેસાસ અંગે કંગનાએ એક ઈ-મેલમાં લખ્યું હતું કે, 'હું ટીનેજર જેવી લાગણીઓનો અનુભવ કરી રહી છું. પેટમાં ગલીપચી થઈ રહી છે, જ્યારે હું હૃતિકની સાથે હોઉં છું ત્યારે તદ્દન અલગ અનુભવ કરું છું. મને આ લાગણી ખૂબ જ ગમી રહી છે. મને પ્રશ્ન એ થાય છે કે જ્યારે તું મને તારી પાસે નજીક ખેંચીશ અને કિસ કરીશ ત્યારે શું થશે? હું તો બેહોશ જ થઈ જઈશ.'
એક ઈ-મેલમાં કંગનાએ લખ્યું છે કે, 'આમ રોજ ઘણા બધા ઈ-મેલ મોકલવા મુશ્કેલ છે અને તેનો કોઈ જવાબ પણ મળતો નથી.'
શું આપણી વચ્ચે ખરેખર પ્રેમ છે?
અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલ મુજબ, કંગનાએ તેના ઈ-મેલ પરથી હૃતિકના ઇ-મેલ પર સંદેશો મોકલ્યો હતો કે, ‘શું આપણી વચ્ચે ખરેખર પ્રેમ છે?’ બીજા ઈ-મેલમાં કંગનાએ લખ્યું હતું કે, ‘ક્યારેક ક્યારેક હું દરેક વસ્તુને લઈ અસુરક્ષિતતા અનુભવું છું. શું આપણી વચ્ચે પ્રેમ છે કે પછી આ એક ફક્ત કલ્પના છે? આપણો પ્રેમ સાચો છે કે હું કોઈ સ્વપ્નમાં વિહરી રહી છું.’
મને એસ્પર્ગર સિન્ડ્રોમ છે
કંગનાએ એક ઈ-મેલમાં દાવો કર્યો હતો કે, 'મને જાણ થઈ છે કે મને એસ્પર્ગર સિન્ડ્રોમ છે. હું આ વતને લઈને ખૂબ ટેન્શનમાં છું. જો તને સમય મળે તો વાંચજે. હું આ સિન્ડ્રોમનો ૯૮ ટકા શિકાર બની ચૂકી છું.'
એક ઈ-મેલ મુજબ કંગનાએ કથિત રીતે લખ્યું છે કે, 'મેં જ્યારે તને બાળપણમાં જ પહેલી વાર જોયો હતો મનાલીના કોઈ હિન્દી પેપરમાં ત્યારથી જ હું મારી જાતમાં ખોવાઈ ગઈ હતી અને પછી મારી જાતને કહ્યું કે આ માણસ માત્ર મારાં માટે જ છે.'
એક દિવસ હું તને મળીશ અને...
કંગનાએ ઈ-મેલમાં લખ્યું હતું કે, 'એક દિવસ હું તને મળીશ અને તું એમ કહીશ કે તને કંઈ જ નહીં મળે ત્યારે શું થશે? એટલા સુધી કે તું મને ઓળખતો પણ નથી, તેં મને ક્યારેય પ્રમે કર્યો નથી. ત્યારે હું શું કરીશ? શું હું ક્યારેય આ દર્દનાક હકીકતથી બહાર આવી શકીશ?'
તારા માટે પૂજાપાઠ કરું છું
હૃતિકની ફિલ્મ ‘બેંગ બેંગ’ની રીલિઝના સમયે કંગનાએ એક ઈ-મેલમાં ઉલ્લેખ કર્યો હતો કે તે હૃતિકની ફિલ્મની સફળતા માટે હવન અને પૂજા-પાઠ કરી રહી છે.
ઈ-મેલ આઇડી હૃતિકનો જ?
હૃતિક રોશન તરફથી મુંબઈ પોલીસને સોંપાયેલા સાઈબર ફોરેન્સિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતાએ ઘણા ઈ-મેલના જવાબો આપ્યાં નથી. એક દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે. હૃતિકના નામે કોઇ બીજી જ વ્યક્તિ ઇ-મેલ ઓપરેટ કરતી હતી.
બંનેના વકીલો શું કહે છે
હૃતિકના વકીલનો દાવો છે કે તેના અસીલ અને કંગના વચ્ચે ક્યારેય સંબંધો હતા જ નહીં. જ્યારે કંગનાના વકીલના જણાવ્યા મુજબ કેટલાક ઇ-મેલમાં ઘણી વાતો ઉપજાવી કાઢેલી છે.