જમ્મુઃ કટરામાં ૨૩મી નવેમ્બરે છ સવારો સાથેનું વૈષ્ણોદેવી જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેમાં મહિલા પાઈલટ સહિત બે પરિવારનાં છ લોકોનાં મૃત્યુ થયા હતાં. મૃતકમાં ૧૮ નવેમ્બરે જ લગ્ન કરનાર અર્જુન અને તેની પત્ની વંદનાનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના પંખા સાથે ગીધ ટકરાતા પંખો બંધ થઈ ગયો હતો પરિણામે તે ઝડપથી નીચે ધસ્યું અને વીજવાયર સાથે અથડાતાં આગ લાગી હતી. નોંધનીય છે કે, હેલિકોપ્ટરની પાયલટ સુમિતા વિજયન પ્રથમ મહિલા મલિયાલી પાઇલટ બની હતી. વાયુદળમાંથી નિવૃત્તિ બાદ ૨૦૦૬માં તે હિમાલયન હેલી સર્વિસમાં જોડાઈ હતી. તે અમરનાથ, કેદારનાથ સુધી હેલિકોપ્ટર ઉડાવી ચૂકી હતી. સોમાવરે તેની ડ્યુટી નહોતી છતાં નિયમિત પાઇલટ નહીં આવતા ચીફ પાઇલટ તરીકે તેણે હેલિકોપ્ટર ઉડાવ્યું હતું.