નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર ડીલમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનારા ક્રિસ્ટીન મિશેલ પર આરોપ લાગ્યા પછી પહેલીવાર આ મુદ્દે ૧૧મી મેએ કહ્યું છે કે, ડીલને લઈને કંઈ પણ ગેરકાનૂની કામ નથી થયું. જોકે, ડીલ અંગે કોઈ પણ જાતની લાંચ અપાઈ હોય તો એની મને જાણ નથી. મહત્ત્વપૂર્ણ બાબત છે કે, ૨૦૦૫થી ૨૦૧૩ સુધીનાં ૯ વર્ષનાં સમયગાળામાં મિશેલે ૧૮૦ વખત ભારતની મુલાકાત કરી હતી.
ક્રિસ્ટીન મિશેલે દુબઈથી નિવેદન કર્યું છે કે, હું ક્યારેય સોનિયા ગાંધીને નથી મળ્યો. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ રક્ષા પ્રધાન એ. કે. એન્ટનીને પણ નથી મળ્યો. જોકે મિશેલે કહ્યું હતું કે, તેણે જીમખાના કલબમાં એસ. પી. ત્યાગી સાથે એક વખત હાથ મિલાવ્યો હતો. અલબત્ત, ઇટાલીના વ્યાવસાયિક ગુઈદો હશ્કે અને અન્ય વચેટિયાઓને આ અંગે જાણ થતાં અંતર વધારી દીધું હતું.
૯ વર્ષમાં ૧૮૦ વાર ભારત આવ્યો વચેટિયો
ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ)ના રેકોર્ડસથી માહિતી મળી છે કે વચેટિયો ક્રિસ્ટીન મિશેલ ૨૦૦૫થી ૨૦૧૩ દરમિયાન ૧૮૦ વખત ભારત આવ્યો હતો. દર વખતે તે માત્ર દિલ્હી જ આવ્યો હતો. તેણે ભારત આવવાનું કારણ મોટેભાગે પોતાની ફર્મ મીડિયા એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત જણાવ્યું હતું અને તે ભારત આવતો ત્યારે કંપનીના એસોસિએટ તથા ડાયરેક્ટર જે. બી. સુબ્રહ્મણ્યમને મળતો હતો એવું પણ તેણે જણાવ્યું હતું.
મિશેલ યુએઈમાં છે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તપાસ શરૂ થયેલા પહેલાં જ મિશેલ નાસી છૂટ્યો હતો અને એ પછી ક્યારેય ભારત આવ્યો નથી. હાલમાં તે યુએઇમાં રહે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે તેની ધરપકડ કરવા માટે યુએઇ સરકારને તાજેતરમાં વિનંતી મોકલી છે.