જયપુર: રાજસ્થાનમાં આવેલા જયપુરના રહેવાસી આભાસ શર્માએ ફક્ત ૧૨ વર્ષની વયે ૧૨ ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે. આ સાથે જ, આભાસ ૧૨માની બોર્ડની પરીક્ષા પાસ કરનાર સૌથી નાની વયનો વિદ્યાર્થી બની ગયો છે. તેણે આ વર્ષની રાજસ્થાન બોર્ડની પરીક્ષા પાસ કરી છે. આભાસે આ પરીક્ષા ૬૫% માર્ક સાથે પાસ કરી લીધી છે. આભાસની સિદ્ધિ એ છે કે, તેણે ૧૦ વર્ષની વયે જ તેણે ૧૦મા ધોરણની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી સિદ્ધિ મેળવવા છતાં આભાસે મેડિકલનું શિક્ષણ મેળવવા માટે કાયદાનો સહારો લેવો પડશે અથવા તો પાંચ વર્ષ સુધી રાહ જોવી પડશે. કારણ કે, એમસીઆઈના નિયમો અનુસાર ૧૭ વર્ષની વય થવા સુધીમાં તે મેડિકલના કોઈ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં.