મુંબઈઃ બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસ્નેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત 'ગીતા ચેમ્પિયન્સ લીગ' સ્પર્ધામાં આશરે ૩૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમાં તે પ્રથમ આવી હતી.
મરિયમ કહે છે કે ગીતા વિશે બાળકોના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે ૧૦૦ માર્કની મલ્ટિપલ ચોઈસ પદ્ધતિથી પ્રશ્નોની પરીક્ષા લેવામાં આવે છે. હું હંમેશાં ધર્મો વિશે જાણવા માટે આતુર રહું છું અને મારી ફુરસદના સમયે તેના વિશે વાંચું છું. તેથી જ્યારે મને મારા શિક્ષકે સ્પર્ધા વિશે જણાવ્યું હતું ત્યારે મને લાગ્યું કે આ ધર્મગ્રંથ શું છે તે જાણવા માટે એક સારી તક છે. મારા વાલીઓએ પણ સ્પર્ધામાં ભાગ લેવા માટેના મારા વિચારને ટેકો આપ્યો હતો.
મીરા રોડ ખાતે આવેલી કોસ્મોપોલિટન હાઈ સ્કૂલની વિદ્યાર્થિની મરિયમ ઈસ્કોન દ્વારા અપાયેલી અભ્યાસ સામગ્રીને અંગ્રેજી ભાષાની પરીક્ષા આપતાં પહેલાં આશરે એક મહિના પૂર્વે વાંચી હતી. તે કહે છે કે મેં અભ્યાસસામગ્રીને વાંચી હતી અને ગીતા આપણને શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હું જેમ વિવિધ ધર્મો વિશે વધુ વાંચું છું તેમ મને સમજાય છે કે માનવતા જ સૌથી અગત્યનો ધર્મ છે.
મરિયમ તેના વાલીઓ સાથે ધર્મની ઉપર વાર્તાલાપ કરે છે. તે કહે છે કે અમારું કુટુંબ માને છે કે દરેક વ્યક્તિએ સર્વ ધર્મોનો આદર કરવો જોઈએ. કોઈ પણ ધર્મ આપણને દ્વેષ અને ખોટું કરવા માટેનો ઉપદેશ આપતો નથી. આમ છતાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેણે આપણને ગેરમાર્ગે દોરે છે.
મરિયમના પિતા આસીફ સિદ્દિકી કહે છે કે આની બાળકો ઉપર ખરાબ અસર ઊભી થાય તે પહેલાં આપણે તેમની સાથે વાત કરવી જોઈએ અને સાચું શું છે તેની તેમને સમજ આપવી જોઈએ.
મરિયમની સિદ્ધિ બદલ શાળાના શિક્ષકો પણ ગર્વ અનુભવે છે. ‘સ્પર્ધા દરેક ધર્મના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી હતી, તેથી અમે શાળામાંથી કોઈ પણ તેમાં ભાગ લેવા ઈચ્છુક છે કે તે માટે પૂછયું હતું. મરિયમ શાળાની પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરે છે અને સ્પર્ધામાં પણ તેણે ઉત્તમ દેખાવ કર્યો હતો,’ એમ તેનાં શિક્ષિકા સપના બ્રહ્માંડકરે જણાવ્યું હતું.