રાયગઢઃ પુણેના કેમ્પ પરિસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર પિકનિક માટે ગયા હતા. બપોરના ૧૨ વાગ્યાના સુમારે તમામ ત્યાં પહોંચ્યા હતા.
બપોરનું ભોજન કરીને ૩ વાગ્યાના સુમારે અનેક વિદ્યાર્થીઓ સમુદ્રમાં તરવા ગયા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તરતા તરતા દરિયામાં આગળ જતા ગયા હતા. વિદ્યાર્થીઓને પાણીનો અંદાજ ન આવવાથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ પાણીમાંથી બહાર આવવામાં સફળ થયા હતા અને બાકીનાને શું થઈ રહ્યું છે એની સમજ પડી નહોતી. અચાનક તેઓ ઊંડા પાણીમાં ડૂબવા લાગવાથી બૂમાબૂમ મચી જવા પામી હતી. દરમિયાન, ૧૩ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ મૃતકોમાં ૩ યુવતીઓનો પણ સમાવેશ થાય છે.
માહિતી મળતા સ્થાનિક લોકોએ, કોસ્ટગાર્ડના જવાનોએ અને પોલીસે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, પણ ત્યાં સુધી ખૂબ મોડંુ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ફક્ત પાંચ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં સ્થાનિકો અને કોસ્ટગાર્ડના જવાનોને સફળતા મળી હતી.