૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો લેફ. જન. જેકબનું નિધન

Saturday 16th January 2016 07:36 EST
 
 

નવી દિલ્હીઃ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો અને પાકિસ્તાની સેનાની શરણાગતિની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબનું નિધન થયું છે. ૯૨ વર્ષના લેફ. જન. જેકબે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. બાંગ્લાદેશ સર્જનમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો ભારત અને ઇઝરાયેલના રાજદ્વારી સંબંધોમાં નિકટતા લાવવાનું ભગીરથ કામ પણ તેમણે કર્યું હતું. લેફ. જનરલ જેકબ ગત પહેલી તારીખથી દિલ્હીની મિલિટરી હોસ્પીટલમાં દાખલ હતાં. ન્યુમોનિયાથી પિડાતા જનરલે ૯૩ વર્ષેની પાકટ વયે ૧૩ જાન્યુઆરીએ સવારે સાડા આઠે અંતિમ શ્વાસ લીધા હતાં.

૧૯૨૩માં જન્મેલા જેકબે ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન લડાઇમાં ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જેકબ એ વખતે મેજર જનરલ હતા અને યુદ્ધ વખતે તેમણે ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ તરીકેની ફરજ બજાવી હતી. બ્રિટિશ ઇંડિયામાં બેન્ગાલ પ્રેસિડેન્સીમાં જન્મેલા જેકબ ૧૯ વર્ષની વયે ભારતીય સેનામાં જોડાયા હતા. જેકબ ૧૯૭૮માં નિવૃત્ત થયા હતા. તેમણે બીજા વિશ્વ યુદ્ધમાં અને ૧૯૬૫ની ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઇમાં પણ ભાગ લીધો હતો.

૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદી વખતે લેફ્ટનન્ટ જનરલ જેકોબ ઇસ્ટર્ન કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ હતાં. એ વખતે ફિલ્ડ માર્શલ શામ માણેકશાએ જનરલ જેકબને ઢાકા મોકલ્યા હતા અને અહીં તેમણે પાકિસ્તાની સેનાને કાબુમાં રાખવા ઉપરાંત વાટોઘાટો દ્વારા પાકિસ્તાનને શરણે આવવા સમજાવી લીધું હતું. એ પછી જ પાકિસ્તાની જનરલ આમિર ખાન નિયાઝીએ જનરલ જગજિત સિંહ અરોરા અને જનરલ જેકબ સહિતના સેનાપતિઓ સમક્ષ શરણાગતિના દસ્તાવેજો પર સહી કરી હતી. તેમને કમેન્ડેશન ઓફ મેરિટ અને પરમ વિશિષ્ટ સેવા મેડલ સહિતના સન્માનો મળ્યાં હતાં.
૧૯૨૩માં કોલકતામાં જન્મેલા જેકબ ૧૮ વર્ષની વયે લશ્કરમાં જોડાયા હતા. ૧૯૭૧ પહેલા જનરલ જેકબે બીજું વિશ્વ યુદ્ધ અને ૧૯૬૫નો જંગ પણ લડ્યા હતાં. ૧૯૭૮માં તેઓ રિટાયર્ડ થયા હતાં અને ૧૯૯૦ના દાયકામાં ભાજપમાં જોડાયા હતાં. બાદમાં તેઓ ગોવા અને પંજાબના ગવર્નર પણ બન્યાં હતાં. ૧૯૯૭માં યુદ્ધના સંસ્મરણો અંગે પુસ્તક લખ્યાં પછી ફિલ્ડ માર્શલ શામ માણેકશા સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી.
જેકબનો યહુદી પરીવાર ૧૮મી સદીમાં ઇરાકથી કોલકતા આવીને સ્થાયી થયો હતો. નિવૃત્તિ પછી તેમની આવડતનો લાભ લઈ સરકારે ભારત અને ઈઝરાયલ વચ્ચેનો સંબંધ સેતુ વિકસાવવાનું કામ જનરલ જેકબને સોંપ્યું હતું. ૧૯૯૮માં ભાજપ સરકાર આવ્યા પછી તેઓ વારંવાર ઇઝરાયલ જઈ બંને દેશોને નિકટ લઈ આવ્યા હતા. આજે ઇઝરાયેલ અને ભારતના સંબંધોમાં તેમનો ઘણો ફાળો છે.
નિયાઝીના સૈનિકો સામે જેકબ એકલા
૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર નક્કી જણાયા પછી જનરલ નિયાઝીએ શરણાગતી માટે તૈયાર દાખવી હતી એ વખતે જનરલ માણેકશાએ ફોન કરીને જેકબને કહ્યું કે ઢાકા પહોંચીને આત્મસમર્પણની કાર્યવાહી પૂર્ણ કરો.
બાદમાં એક ઇન્ટરવ્યુમાં જનરલ જેકબે કહ્યું હતું કે ‘ઢાકા પહોંચ્યો ત્યારે પાકિસ્તાની બ્રિગેડીયર કાર લઈને મારી રાહે ઊભા હતા. અમે એની કારમાં આગળ વધ્યા ત્યારે બાંગ્લાદેશ મુક્તિશાહીની સેનાએ અમારા પર હુમલો કરી દીધો. તેમનો રોષ પાકિસ્તાની સેના સામે હતો. એમાંથી માંડ માંડ બચીને અમે ઢાકાના લશ્કરી મથકે પહોંચ્યા હતાં. ત્યાં શરણાગતિના દસ્તાવેજો જોઈને જનરલ નિયાઝીએ કહ્યું હતું કે તમને કોણે કહ્યું અમે શરણાગતિ સ્વકારી રહ્યા છીએ. આ વખતે પાકિસ્તાન પાસે ઢકાના રક્ષણ માટે ૩૦ હજાર સૈનિકો હોવા છતાં જનરલ જેકોબની કુનેહને કારણે નિયાઝી દસ્તાવેજો પર સહી કરવા તૈયાર થઈ ગયા હતાં.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter