ભાજપ-મોદીને રોકવા છ પક્ષો એક થશેઃ પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહના નેતૃત્વમાં ૨૬ વર્ષ પહેલાં એક મંચ પર આવેલા નેતાઓ પોતાના છ પક્ષોના વિલયની તૈયારીમાં છે. જનતા દળ પરિવારને નવો આકાર આપવાની જવાબદારી સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવને સોંપાઈ છે. તેનો હેતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ ઘટાડવાનો અને રાષ્ટ્રીય પરિદૃશ્યમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવાનો છે. તેના માટે નવા જનતા પરિવારનું નામ સમાજવાદી જનતા દળ હોઈ શકે છે. વિલય પછી આ દળ બાકીના બિનકોંગ્રેસી, બિનભાજપી પક્ષોનું પણ સમર્થન મેળવવા માટે પ્રયત્ન કરશે. આ નેતાઓમાં લાલુ યાદવ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગૌડા, નીતિશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે.
કાળા નાણાં મુદ્દે ભારતને ફ્રાન્સમાંથી મદદઃ થોડા સમય પૂર્વે યુબીએસ ફ્રાન્સ બેંકને ધનવાનોને કાળું નાણું છુપાવવામાં મદદ કરવાના આરોપસર એક બિલિયન યુરોથી વધુ દંડ થયો હતો. આ કેસમાં યુબીએસ ફ્રાન્સ બેંકનાં પૂર્વ પીઆરઓ સ્ટેફની ગિબાઉડે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આ વ્હિસલ બ્લોઅરે એક ટીવી ન્યૂસ ચેનલ સાથેની ચર્ચામાં કાળાં નાણાંના મુદ્દે ભારત સરકારની મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.
‘મોદીનાં શાસનમાં કાશ્મીરમાં ટૂરિસ્ટ નહીં ટેરરિસ્ટ આવે છે’: ઝારખંડની રાજધાની રાંચી નજીક એક ચૂંટણીસભામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. ગત સપ્તાહે કાશ્મીરમાં થયેલા ચાર આતંકવાદી હુમલામાં ૧૧ જવાન શહીદ થયા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે યુપીએનાં શાસનમાં કાશ્મીરમાં શાંતિ હતી. રાજ્યમાં ટુરિસ્ટ નિર્ભિક થઇને આવતાં હતાં, પરંતુ હવે ટેરરિસ્ટ આવી રહ્યા છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં રમખાણો ફાટી નીકળે છે.
મંદિરની જમીન પર બન્યો છે તાજ મહેલ: તાજ મહેલને લઈને અત્યાર સુધી શિયા અને સુન્નીનાં વકફ બોર્ડ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, હવે તેમાં ભાજપે ઝૂકાવ્યું છે. ભાજપે તાજ મહેલને પ્રાચીન તેજોમહાલય મંદિરનો હિસ્સો ગણાવ્યો છે. ઉત્તર પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ લક્ષ્મીકાંત બાજપાઈએ જણાવ્યું હતું કે મુગલ શાસક શાહજહાંએ મંદિરની કેટલીક જમીનને રાજા જય સિંહ પાસેથી ખરીદી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે આ બાબતના દસ્તાવેજો હજી ઉપલબ્ધ છે. તેમણે આરોપ મૂક્યો હતો કે વકફ બોર્ડની સંપત્તિઓ પર કબજો કરી બેઠેલા આઝમ ખાનની નજર હવે તાજમહેલ પર છે.