નવી દિલ્હી/જમ્મુઃ છેલ્લા ૯ મહિનામાં બે મોટી આતંકવાદી ઘટનાઓનો સામનો કરી ચૂકેલા પંજાબમાં ફરી એકવાર આતંકી હુમલાના એંધાણ મળતાં રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, પંજાબ નજીક આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી ત્રણ આતંકીઓ ભારે હથિયાર, વિસ્ફોટકો લઈને ભારતમાં ઘૂસ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી છે. પંજાબ પોલીસના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અપાયેલા ઇનપૂટના આધારે પંજાબમાં એલર્ટ જારી કરી સુરક્ષા ચુસ્ત બનાવી છે.
દિલ્હી પોલીસના ઇનપૂટ અનુસાર, આ ત્રણ આતંકવાદીઓના નિશાન પર દિલ્હી, મુંબઈ અને ગોવા છે. તેઓ સ્યુસાઇડ બેલ્ટ બાંધીને હુમલાને અંજામ આપવા નીકળ્યા છે. પંજાબ પોલીસને મળેલા એલર્ટ અનુસાર, ત્રણેય આતંકવાદીઓ જમ્મુ પાસિંગની ગ્રે રંગની સ્વિફ્ટ ડિઝાયર કારથી ભારતમાં પ્રવેશ્યા છે, જેનો નંબર JK-01 AB-2654 છે. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના તેમના હેન્ડલરની મદદથી પાંચમી એપ્રિલે મોડી રાત્રે બનિયાર ટનલમાં પસાર થયા હતા.