૬૮ દિવસના ઉપવાસને અંતે ૧૩ વર્ષની આરાધનાનું મૃત્યુ

Wednesday 12th October 2016 08:58 EDT
 
 

હૈદરાબાદઃ ૧૩ વર્ષની જૈન બાળા આરાધનાનું ૬૮ દિવસના ઉપવાસ પછી તાજેતરમાં અવસાન થયું છે. આરાધનાના પિતા એક સંતથી ખૂબ પ્રભાવિત હતા. સંતે આરાધનાના પિતાને કહ્યું હતું કે, જો દીકરી ચાર મહિનાના ઉપવાસ કરશે તો તમને બિઝનેસમાં ઘણો ફાયદો થશે. સંતના કહેવાથી ઉપવાસ કર્યા પછી આરાધનાનનું મોત થયું છે. આરાધનાના પિતાનો જ્વેલરીનો બિઝનેસ છે.
આરાધના સિકંદરાબાદની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ચેન્નાઈના એક સંતે આરાધનાની માતા મનિષા અને પિતા લક્ષ્મીચંદ સમદડિયાને સલાહ આપી હતી કે, જો તેમની દીકરી ચાર મહિના ઉપવાસ કરશે તો તેમને ફાયદો થશે.
આકરા ઉપવાસ પછી આરાધના બેભાન થઈને નીચે પડી ગઈ હતી અને ત્યારપછી તે કોમામાં જતી રહી હતી. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. તબીબી રિપોર્ટ મુજબ આરાધનાને હાર્ટએટેક આવ્યો હતો.
આરાધનાએ ઉપવાસ ખોલ્યા તેના બે દિવસ પછી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આરાધનાની અંતિમ યાત્રામાં ૬૦૦ લોકો સામેલ થયા હતા અને તેને ‘બાળ તપસ્વી’ ગણાવવામાં આવી હતી.
માતા-પિતા પગલાંની માગ
ઘટના બે ઓક્ટોબરે નોંધાઈ હતી, પરંતુ સાત ઓકટોબરના રોજ એક સંગઠનના પ્રમુખ અચ્યુત રાવે આ કેસ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરાધનાના માતાપિતા સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.
હત્યા નહીં તો આત્મહત્યા
એક સમુદાયના સભ્ય લત્તા જૈને કહ્યું હતું કે, ઉપવાસ વખતે લોકો શરીરને ખૂબ તકલીફ આપે છે. ભોજન જળ ત્યજી દે છે સમાજમાં તેથી સન્માન મળે છે, પરંતુ આ કિસ્સામાં કન્યા સગીર હતી. મર્ડર ના કહેવાય તો આત્મહત્યા તો છે જ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter