નવી દિલ્હી: વર્ષ ૨૦૧૪માં પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં વડા પ્રધાનપદે ચૂંટાઈ આવેલા નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો હોવાના ઘણાં રાજકીય પંડિતોનાં તારણોને ખોટાં ઠેરવતા એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ૭૦ ટકા ભારતીયો હજુ એમ ઇચ્છે છે કે મોદી વડા પ્રધાનપદના પાંચ વર્ષના પહેલા કાર્યકાળ બાદ ફરી સત્તામાં પાછા આવે અને વડા પ્રધાન બને. સેન્ટર ફોર મીડિયા સ્ટડિઝના સર્વેમાં ૭૦ ટકા લોકો નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૨૪ સુધી ભારતના વડા પ્રધાનપદે જોવા ઇચ્છે છે. ૬૨ ટકા ભારતીયો વડા પ્રધાન તરીકેની તેમની કામગીરીથી ઘણા ખુશ છે.
જોકે સર્વેમાં ૫૦ ટકા લોકો એવું પણ માનનારા છે કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેની કામગીરી સંભાળી ત્યારથી બે વર્ષમાં દેશની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ૧૫ ટકા લોકો એમ માને છે કે મોદીશાસનનાં બે વર્ષમાં દેશની સ્થિતિ વધુ કથળી ગઈ છે. ૪૩ ટકા લોકોનું માનવું છે કે, નબળા વર્ગોની નીતિઓ અને યોજનાઓના લાભ મોદીશાસનમાં ગરીબ લોકો સુધી પહોંચી રહ્યા નથી.
મોદી કેબિનેટના અડધા પ્રધાનો સામે નારાજગી
પીએમ મોદીનાં પ્રધાનમંડળની કામગીરી પર પુછાયેલા સવાલના જવાબમાં લોકોએ સુષમા સ્વરાજ, રાજનાથસિંહ, સુરેશ પ્રભુ, મનોહર પારિકર અને અરુણ જેટલીની કામગીરી વખાણી હતી, પરંતુ જનતા રામવિલાસ પાસવાન, બાંડારુ દત્તાત્રેય, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર અને રાધામોહનસિંહની કામગીરી સામે નારાજ છે. અહેવાલમાં માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીની કામગીરીને એવરેજ ગણાવાઈ છે. લોકોએ વિદેશ, રેલવે અને નાણામંત્રાલયની કામગીરીને બિરદાવી છે.
- ૬૨% - પીએમ મોદીની કામગીરીથી ખુશ
- ૫૦% - દેશની સ્થિતિમાં કોઈ સુધારો નહીં
- ૧૫% - મોદી શાસનમાં દેશની સ્થિતિ કથળી
- ૪૩% - ગરીબો સુધી યોજનાના લાભ પહોંચતા નથી